વડોદરામાં બે દિવસ વરસાદની આગાહી હોવાથી આજવા અને પ્રતાપપુરાના ગેટ બંધ કરવામાં આવ્યા
Vadodara Ajwa Sarovar : વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરીજનોને સૂચિત કરવામાં આવ્યું છે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તારીખ 31/08/2024 ના રોજ આજવા તથા પ્રતાપપુરા ડેમના દરવાજા ખોલવામાં આવેલ હતા. જેને લીધે આજવા ડેમનુ લેવલ 1.5 ફુટ જેટલુ તથા પ્રતાપપુરા ડેમનુ લેવલ 5 ફુટ જેટલુ નીચું આવેલ છે. હવે તારીખ 2 તથા 3ના રોજ હળવાથી-મધ્યમ વરસાદની આગાહી હોવાથી આજવા તથા પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ કરવામાં આવેલ છે. હાલમાં વિશ્વામીત્રીનું લેવલ 15.5 ફુટ છે. નાગરીકોએ ગભરાવવાની જરૂર નથી તથા અફવાઓ પર ધ્યાન આપવું નહી તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
આજે સવારે 11 વાગ્યે આજવા સરોવરનું લેવલ 211.95 ફૂટ હતું, જ્યારે પ્રતાપપુરા સરોવરનું લેવલ 225.40 ફૂટ નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજવા સરોવરના ગેટ સતત ખુલ્લા હોવાથી પાણીની આવક ચાલુ રહેતા વડોદરામાં ભયાનક પુર આવ્યું હતું. આજવાનું પાણી બંધ કરવા અગાઉ નિર્ણય લેવાયો ત્યારે આજવા સરોવરનું લેવલ 213.65 ફૂટનું હતું. ત્યારબાદ વરસાદ થંભી જતા અને વિશ્વામિત્રી નદીનું લેવલ પણ ઘટી જ હતા અગાઉ નક્કી કર્યા મુજબ આજવા સરોવરમાં 212 ફૂટનું લેવલ જાળવી રાખવા શનિવારની રાતથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને 24 કલાકમાં લેવલ આશરે દોઢ ફૂટ જેટલું ઘટી ગયું હતું. જોકે આજવામાંથી પાણીની આવક થતા વિશ્વામિત્રીની સપાટી 10 ફૂટથી વધીને 14.86 સુધી પહોંચી ગઈ હતી અને એ પછી પણ તેમાં વધારો થયો છે. પરંતુ હાલ ચિંતાનું કોઈ કારણ નથી તેમ કોર્પોરેશનનું કહેવું છે.