SOU નજીક તિલકવાડા તાલુકામાં પ્રવાસીઓ માટે એરપોર્ટ બનાવાશે
ફેરકુવા, ભાદરવા અને સુરવા ગામની ૨૧૦ હેક્ટર ખાનગી જમીન સંપાદન કરાશે ઃ પ્રિ ફિઝિબિલિટિ રિપોર્ટ બાદ કામગીરી શરૃ થશે
રાજપીપળા તા.૭ નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની નજીક સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તે માટે સરકાર દ્વારા એરપોર્ટ બનાવવા આજે વિધાનસભામાં આ મામલે ચર્ચા થઇ હતી. રાજ્ય સરકારે તિલકવાડા નજીકના ફેરકુવા, ભાદરવા અને સુરવા વચ્ચે એરપોર્ટે બનાવવાની કવાયત હાથ ધરી છે.
આ વિસ્તારમાં એરપોર્ટ કનેક્ટિવિટીને લઈને રાજ્ય સરકાર દ્વારા તિલકવાડા ખાતે પ્રિ ફિઝિબિલિટિ સ્ટડીની કામગીરી શરૃ કરી દેવાઇ છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની નજીક ફેરકુવા, ભાદરવા અને સુરોવા ગામની ૨૧૦ હેકટર ખાનગી જમીન એરપોર્ટ વિકસાવવા પસંદ કરી સંપાદન કરવા સરકાર પાસેથી મંજૂરી મેળવવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી સહેલાણીઓ આવતા હોવાથી આ જગ્યાએ અદ્યતન સુવિધાઓ ધરાવતા એરપોર્ટ માટે ૩૦૦૦ મીટરનો રન વે વિકસાવવાનું આયોજન છે.
એરપોર્ટ પર પ્રવાસી વિમાનો ઉતરાણ અને ઉડ્ડયન કરી શકે તે માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૃ કરી દેવામાં આવી છે. એરપોર્ટ વિકસાવવા સૌપ્રથમ પ્રિ- ફિઝિબિલિટિ કરાવવાની થાય છે. જેથી તે રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી એરપોર્ટ્સ ઓથોરિટિ ઓફ ઇન્ડિયાની કક્ષાએ હાલમાં પ્રગતિમાં છે. આ રિપોર્ટ મળ્યા બાદ જમીન સંપાદન માટે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.