ગાંધીનગર આરટીઓના ટેસ્ટ ટ્રેકમાં એઆઇ બેઝ સિસ્ટમ તૈયાર કરાશે

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
ગાંધીનગર આરટીઓના ટેસ્ટ ટ્રેકમાં એઆઇ બેઝ સિસ્ટમ તૈયાર કરાશે 1 - image


વારંવાર સોફ્ટવેરની ખામીઓ સર્જાવાને કારણે હવે

હાલ દિલ્હી અને ચંદીગઢ આરટીઓમાં ઉપયોગ થઇ રહ્યો છે તે પધ્ધતિ ગાંધીનગરમાં પ્રયોગ કરીને રાજ્યમાં અમલી બનાવાશે

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓ ખાતે હાલ ટ્રેસ્ટ ટ્રેક છે અને તે સોફ્ટવેર બેઝ હોવાથી અવાર નવાર તેમાં ખામી સર્જાતી હોવાને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે દિલ્હી અને ચંદિગઢની જેમ વિડીયો એનાલીટીક ટેકનોલોજી અંતર્ગત આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને નવો ટ્રેક તૈયાર કરવામાં આવશે. જેમાં ૧૭ જેટલા કેમેરા દ્વારા વાહનની દરેક મુવમેન્ટ ઉપર નજર રાખવામાં આવશે.આ પ્રયોગ ગાંધીનગરમાં સફળ થયા બાદ રાજ્યની અન્ય આરટીઓમાં પણ અમલમાં મુકવામાં આવશે.

પાટનગર ગાંધીનગરની આરટીઓ કચેરી રાજ્યની મોડેલ કચેરી હોવાને કારણે તમામ પ્રોજેક્ટ સૌ પ્રથમ લાવવામાં આવતા હોય છે અને અહીં સફળતા મળ્યા બાદ રાજ્યના અન્ય જિલ્લા કચેરીઓમાં તેની અમલવારી કરાવવામાં આવતી હોય છે. ટેસ્ટ ટ્રેકની અમલવારી પણ ગાંધીનગરમાં થઇ હતી ત્યારે હાલ આ ટેસ્ટ ટ્રેકમાં હવે સોફ્ટવેરની ખામી સહિતના ટેકનીકલ ઇસ્યુ ઉભા થતા હોય છે અને તના કારણે ઘણા દિવસો ટ્રેક બંધ રાખવો પડતો હોય છે. જેના પગલે અરજદારોને પણ હેરાન થવાનો વારો આવે છે. આવી સ્થતિ વચ્ચે ગાંધીનગર આરટીઓ કચેરીમાં આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ વિડીયો એનાલીટીક ટેકનોલોજી હેઠળ ટ્રેક તૈયાર કરવાનું નક્કિ કરવાામાં આવ્યું છે અને જે માટે અગાઉ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી આચારસંહિતાને કારણે આગળ કામગીરી થઇ શકી ન હતી. જેથી હવે એજન્સીને વર્કઓર્ડર આપીને કામગીરી શરૃ કરાવવાનું પણ આયોજન છે. આ એઆઇ બેઝ્ડ ટેકનોલોજીમાં ટ્રેકમાં ૧૭ જેટલા કેમેરા લગાડવામાં આવશે જે ટ્રેકમાં ફરતા વાહનની દરેક મુવમેન્ટ ઉપર નજર રાખશે. જેમાં વાહનચાલક ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે નહીં તથા કાર કેટલી વખત આગળ પાછળ થઇ, કેટલો સમય ઉભી રહી અને સમય મર્યાદામાં ટેસ્ટ પુર્ણ થયો કે નહીં તે તમામ બાબતો ખુબ જ સરળતાથી પકડી શકશે. હાલ ઘણી વખત સેન્સર બંધ થઇ જવાને કારણે વાહનચાલકને ફરીવાર ટેસ્ટ આપવો પડતો હોય છે તે આ નવી ટેકનોલોજી અમલ થયા બાદ નહીં થાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. 


Google NewsGoogle News