ટ્રેનમાંથી અમદાવાદની મહિલાની બેગ ચોરાઈ : સોનાના દાગીના-રોકડા મળી એક લાખની મતા ગઈ
image : Freepik
વડોદરા,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
અમદાવાદની મહિલા પરિવાર સાથે ટ્રેનના એસી કોચમાં બેસીને કેરાલાથી અમદાવાદ જઇ હતી. તે દરમિયાન આંખ લાગી જતા ચોર મહિલાની રોકડ, સોનાના દાગીના મળી રૂપિયા એક લાખથી વધુ મતા ભરેલા બેગની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જેથી મહિલા વડોદરા રેલવે સ્ટેશન પર ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલા સત્યદિપ હાઇટ્સમાં રહેતા આશા રદિશન ગંગાધરન તેમના પતિ અને પુત્ર સાથે કેરાલાના કન્નુર રેલવે સ્ટેશનથી અમદાવાદ આવવા માટે તિરુવનવેલી-ભાવનગર એક્સપ્રેસના એસી કોચમાં મુસાફરી કરી આવતા હતાં.દરમિયાન મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં આશાબેનની ઉંઘ આવી જતા ચોર રોકડ રકમ તથા સોનાના દાગીના ભરેલું બેગ લઇને રફુચક્કર થઇ ગયો હતો. દરમિયાન તેઓ ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમની પાસે મુકેલુ બેગ જોવા મળ્યુ ન હતું. સવારે પાંચ વાગે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવતાં આ બેગની કોચમાં શોધખોળ કરવા છતાં મળી ન હતી. બેગમાં સોનાની ચેન, વીંટી અને રૂ.44 હજાર રોકડા તેમજ મોબાઇલ મળી 1.04 લાખની મત્તા હતી. આશાબેને રેલવે પોલીસ સ્ટેસનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.