નશીલી સિરપનું નેટવર્ક શોધવા અમદાવાદ પોલીસના વડોદરામાં દરોડા
વડોદરાઃ નશીલી સિરપ પકડનાર અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે વડોદરાના બંને આરોપીને ત્યાં સર્ચ કર્યું હતું.જ્યારે,સિરપના સપ્લાયર રાજુની પણ શોધખોળ કરી હતી.
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઉત્તુંગ બિલ્ડિંગમાં ગોડાઉન ધરાવતા રાજુ નામના શખ્સે નશા માટે ઉપયોગમાં લેવાતી સિરપની બોટલ સપ્લાય કરી હોવાની વિગતોને પગલે અમદાવાદ ગ્રામ્ય એસઓજીના પીઆઇ સવચેટાએ વટામણ ચોકડી પાસે ટીમ મોકલી હતી.
અમદાવાદ પોલીસે વડોદરાની રિક્ષાને આંતરી રૃ.૮૮૫૦૦ની કિંમતની સિરપની ૫૯૦ બોટલ સાથે પ્રતીક નરેન્દ્ર ભાઇ પંચાલ(મહેશ્વરી સોસાયટી, ફતેપુરા,લાલ અખાડા પાસે) અને રિક્ષા ડ્રાઇવર શકીલ સલીમભાઇ શેખ (જલા રામ પાર્ક, એકતા નગર, આજવા રોડ)ની ધરપકડ કરી હતી.
પોલીસે સિરપ કાંડની વધુ માહિતી મેળવવા માટે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી હતી અને તેમના રહેઠાણે સર્ચ પણ કર્યું હતું.પરંતુ તે દરમિયાન તેમની પાસે કોઇ વાંધાજનક ચીજ મળી નથી.
તો બીજીતરફ સિરપની બોટલ સપ્લાય કરનાર રાજુની વિગતો મેળવવામાં આવી રહી છે.રાજુ પકડાય ત્યારબાદ નશીલી સિરપ કેટલા સમયથી અને ક્યાં ક્યાં મોકલવામાં આવતી હતી તેના નેટવર્કનો પર્દાફાશ થશે.રાજુને શોધવા માટે વડોદરા પોલીસ પણ કામે લાગી છે.