કફ સીરપમાં ઉંઘની ટેબલેટ ઉમેરીને વેચાણ કરતા યુવકને ઝડપી લેવાયો
પ્રિસ્ક્રિપશન વિના ટેબલેટ મેળવવામાં આવી
ક્રાઇમબ્રાંચે કફ સીરપ ભરેલા ત્રણ કેન, ૪૯ ટેબલેટ અને અને સાડા ચાર લીટર મિક્ષ પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યોઃ અન્ય ફરાર આરોપીઓની તપાસ શરૂ
અમદાવાદ,ગુરૂવાર
ક્રાઇમબ્રાંચના સ્ટાફે શહેરના દાણીલીમડા વિસ્તારમાં દરોડો પાડીને કફ સીરપમાં ઉંઘની ગોળી અને અન્ય દવા ઉમેરીને નશા માટેનું કેમીકલ બનાવવાનું કૌભાંડ ઝડપીને એક યુવકનું ધરપકડ કરીને કફ સીરપ, ઉંઘની ટેબલેટ અને કફ સીપર ટેબલેટનો મિક્સ જથ્થો જપ્ત કર્યો છે. આ અંગે પોલીસે અન્ય એક ફરાર આરોપીની તપાસ શરૂ કરી છે. આ કેસની તપાસમાં વધુ વિગતો પણ બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે જાડેજાને બાતમી મળી હતી કે દાણીલીમડામાં રહેતો એક યુવક કફ સીરપમાં ઉંઘ માટેની ગોળી તેમજ અન્ય દવા ઉમેરીને કફ સીરપને નશા માટે વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દાણીલીમડા વિસ્તારમાં આવેલી ધુ્રવનગર સોસાયટીમાં દરોડો પાડીને મુજાહીદ ઉર્ફે મોઇન પઠાણ નામના યુવકને ઝડપીને ઘરમાંથી તપાસ કરતા મેટાહીસ્ટ-એસ નામનો કફ સીરપ ભરેલા ત્રણ કેન મળી આવ્યા હતા. જે અંદાજે ૧૪ લીટર જેટલુ સીરપ હતુ. આ ઉપરાંત, નાઇટ્રેઝેપામની ટેબલેટ અને મેટાહીસ્ટ એસ મિક્સ કરેલું સાડા ચાર લીટર કેફી પ્રવાહી મળી આવ્યું હતું. જેમાં તેણે અન્ય કોઇ દવા ઉમેરી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.પોલીસે આ અંગે મુજાહીદની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને અગાઉ કફ સીરપનો નશો કરવાની આદત હતી અને બાદમાં નાણાંની જરૂર પડતા તેણે બહારથી મોટાપાયે કફ સીરપની ખરીદીને તેમાં ઉંઘ માટે લેવામાં આવતી દવા ઉમેરી કેફી પ્રવાહી બનાવીને તેને બોટલમાં પેક કરીને બમણી કિંમતે વેચાણ કરતો હતો. તેની સાથે આ કૌભાંડમાં સૈફુદ્દીન નાગારી પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.