25 લાખ વસૂલવા સુરતના ઇવેન્ટ મેનેજરનું અપહરણ કરી અમદાવાદના કોર્પોરેટરના પુત્રએ માથે ગન મુકી

વડોદરા હાઇવે પરની હોટલમાં ગોંધી રાખતાં પોલીસ સલામત સ્થળે છોડી ગઇ

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
25 લાખ વસૂલવા સુરતના ઇવેન્ટ મેનેજરનું અપહરણ કરી અમદાવાદના કોર્પોરેટરના પુત્રએ માથે ગન મુકી 1 - image

વડોદરાઃ સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા એક યુવક,તેના મિત્ર અને કારના ડ્રાઇવરનું રૃ.૨૫ લાખની ઉઘરાણી માટે વડોદરા હાઇવે પર અપહરણ કરીને હોટલના રૃમમાં ગોંધી રાખવામાં આવ્યો હોવાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે અમદાવાદના તીરમજી તોસિફઆલમ,સોહેલ પઠાણ અને બીજા આઠ જણા સામે ગુનો નોંધ્યો છે.આ પૈકી તીરમજી નામનો આરોપી અમદાવાદના કોંગી કોર્પોરેટરનો પુત્ર હોવાની પોલીસને માહિતી મળી છે.

સુરતમાં સૈયદપુરા ખાતે સોરઠિયા સોસાયટી ખાતે રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા જય મુકેશભાઇ ગલચરે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૫મી જાન્યુઆરીએ હું મારા મિત્ર રોહિત વિરાશ અને ડ્રાઇવર રજનીજ ચાવડા સાથે મારી ઓડી કારમાં દિલ્હીથી સુરત પરત ફરી રહ્યો હતો ત્યારે અમદાવાદમાં રહેતા મારા પાર્ટનર ઓવેશ કુરેશીના કહેવાથી અમદાવાદ ગયો હતો.જ્યાં ઓવેશે મારી મુલાકાત તીરમજી તોસિફઆલમ સાથે કરાવી હતી.

હું સુરત પરત ફરતો  હતો ત્યારે વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે રાતે ૧૧.૩૦ વાગે ચા પીવા ઉભા હતા ત્યારે સ્વિફ્ટ કારમાં ચાર જણા આવ્યા હતા અને હમારે તીરમજીભાઇ આ રહે હૈ,ઉનકે પેસે આપને ખાયે હૈ,હમ મર્ડર કે આરોપી હૈ..તેમ કહી અમને કારમાં જબરદસ્તી બેસાડી રાખ્યા હતા. થોડીવારમાં કાળી વર્ના કારમાં તીરમજી અને અન્ય શખ્સ આવ્યા હતા.તીરમજીએ મને કહ્યું હતુ ંકે તારો પાર્ટનર મારા રૃ.૨૫લાખ નહિં આપે ત્યાં સુધી તારે સાથે રહેવું પડશે.

જયે કહ્યંુ છે કે,ત્યારબાદ મને બનીયન પેરેડાઇઝ રિસોર્ટ માં લઇ ગયા હતા.જ્યાં પાર્કિંગની જગ્યાએ અમારે બોલાચાલી થઇ હતી.એક થાર કાર પણ આવી હતી અને તેમાં રોહિતને લઇ જવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ બૂમો પાડતાં સિક્યોરિટી જવાનો આવ્યા હતા.જેથી અમને એક રૃમમાં રાખી બીજા રૃમમાં તીરમજીના માણસો રોકાયા હતા.તીરમજી મને માથે ગન જેવું મૂકીને જાતિ વિષયક અપમાનજનક ઉચ્ચારણ કરી ધમકી આપીને ચાલ્યો ગયો હતો.

ઉપરોક્ત બનાવ બાદ રિસોર્ટના સ્ટાફને શંકા જતાં મંજુસર પોલીસ આવી હતી.અમને પાંચેક કિમી સુધી પોલીસ છોડીને આવી હતી.મેં ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો.પરંતુ ત્યારબાદ મારી માતાના કહેવાથી ફરિયાદ કરી છે.જેથી હરણી પોલીસે અપહરણ અને ગેરકાયદે ગોંધી રાખવા બદલ ગુનો નોંધ્યો છે.

કોર્પોરેટરના પુત્ર તીરમજીએ સુરતના યુવકને આંગડિયાથી 21 લાખ આપ્યા હતા

સુરતના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ અંગે શંકા ઉપજાવે તેવી કેટલીક બાબતો પોલીસના ધ્યાને આવતાં પોલીસે તે દિશામાં પુરાવા એકત્રિત કરવા તજવીજ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,કોર્પોરેટરના પુત્ર તીરમજીની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે સુરતના યુવકને રૃ.૨૧ લાખ આંગડિયા મારફતે મોકલ્યા હોવાનો પુરાવો રજૂ કર્યો હતો.જેથી આ પુરાવાની ખરાઇ કરવામાં આવશે.

આ ઉપરાંત તીરમજીએ એવો આક્ષેપ કર્યો છે કે,સુરતના જય ગલચરે મને ફોન કરીને ગોલ્ડન ચોકડી ખાતે રૃપિયા લેવા બોલાવ્યો  હતો.જેથી જયના કોલ્સ ડીટેલની તપાસ કરવામાં આવશે.આ ઉપરાંત યુવકે જે ફરિયાદ આપી છે તેના પુરાવા રૃપે સીસીટીવી ફૂટેજ તેમજ સિક્યોરિટી જવાનોના નિવેદનો પણ લેવામાં આવનાર છે.


Google NewsGoogle News