અગોરા મોલનું વધારાનું ૪૩૨૫ ચો.મી. બાંધકામ તોડી પાડવા માગ
તત્કાલીન કલેક્ટર દ્વારા કરાયેલી તપાસ પછી કોઇ કામગીરી ન થઇ
વડોદરા, અગોરા મોલના બિલ્ડર દ્વારા વધારાનું જે બાંધકામ કરાયું છે તે તોડી પાડવા કોંગ્રેસના પૂર્વ નેતાએ મ્યુનિ. કમિશનર અને મેયરને પત્ર લખીને માગ કરી છે.
તેમણે કહ્યું છે ટેન્ડર મુજબ કુલ ૩૯૬૮૫ ચો.મી. જમીન અપાઇ છે જ્યારે બિલ્ડરે ૪૪૦૧૦ ચો.મી. જમીન કે (૪૩૨૫ ચો.મી. વધારાની)નો ઉપયોગ કર્યો છે. આ વધારાનું ૪૩૨૫ ચો.મી.નું જે બાંધકામ કરાયું છે તેની તપાસ કરી જમીન પાછી લઇ લેવી જોઇએ, આ વધારાનું બાંધકામ તોડી પાડવું જોઇએ.
તત્કાલીન કલેક્ટરે આ પ્રોજેક્ટ પર તપાસ મૂકી હતી અને ત્યારબાદ કોર્પો.ને દબાણ દૂર કરવા સૂચના આપી હતી પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એનજીટીએ પણ ૨૦૨૧માં ડિમોલિશનનો આદેશ આપ્યો હતો.
હવે ક્લબ હાઉસને સાંકેતિક રીતે દૂર કરવા શરૃ કરાયું છે, જે માત્ર દેખાડો છે. સરકારી જમીન પર દબાણ અને નદીમાં પૂરના સંભવિત અવરોધો માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવા જણાવાયું છે.