વોર્ડ નં.૬ વારસિયા વિસ્તારમાં ગંદા પાણીનો પ્રશ્ન હલ કરી ચોખ્ખું પાણી નહીં અપાય તો આંદોલન
લોકો એક મહિનાથી રજૂઆતો કરતાં હતાં, છતાં તંત્રનું પાણી ન હલ્યું, અને એકે જીવ ગુમાવ્યો
વડોદરા, વડોદરાના વારસિયા વિસ્તારની સુરૃચિ પાર્કમાંથી ગઇકાલે પાણી પ્રશ્ને રજૂઆત કરવા આવેલા મોરચામાથી એક વ્યકિતનુ ઉશ્કેરાટભરી રજૂઆત કરતી વખતે નીચે પડી ગયા બાદ મોત થયું હતું. આ બનાવ સંદર્ભે કોર્પો.ના તંત્ર સામે આજે કોંગ્રેસે સૂત્રોચ્ચાર ગજવીને કોર્પોરેશનમાં આવેદનપત્ર સુપરત કર્યું હતું.
કોંગ્રેસે કોર્પ.ના તંત્ર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવો પડે તે દુઃખદ બાબત છે. વડોદરાની પ્રજાને વેરાનું વળતર ના આપી શકનાર કોર્પો.ના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી. ચોખ્ખુ પાણી આપવાની ગુલબાંગો શાસકો હાંકી રહ્યા છે. અધિકારીઓ કોર્પોરેટરોના ઇશારે ચોખ્ખું પાણી જાણીજોઇને આવવા નથી દેતા, જેથી વધારે પાણીની ટેન્કરો ચાલે. આ ટેન્કરોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગે છે. પાણીની ટન્કરોનો કોન્ટ્રાકટ પણ ભાજપનાજ કોર્પોરેટરોના સગા સંબધીઓનો છે, તેવો આક્ષેપકરતા કહ્યું કે પ્રજાને ટેન્કર મફમાં નથી મળતું, એનો ચાર્જ વસુલ કરાય છે. અગાઉ પણ આ વિસ્તારના લોકો દ્વારા મોરચો કાઢીને રજૂઆત કરી હતી. એક મહિનાથી ગંદા પાણીના પ્રશ્ને રહીશો બુમો પાડી રહ્યા હતા.
સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવતું હોઇ તે પ્રશ્નનો નિકાલકરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ વિસ્તારની ગંદા પાણીની જે સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવીને પીવાનું ચોખ્ખુ પાણી કોર્પોરેશને આપવું જોઇએ. જો નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી.