ગોત્રીમાં રિક્ષાચાલક બીજા રૃટ પરથી રિક્ષા લઇ જઇ ગેરવર્તણૂક કરતાં લેડી ડોક્ટરે હેલ્પ..હેલ્પ..ની બૂમરાણ મચાવી
વડોદરાઃ ગોત્રી રોડ પર આજે બપોરે એક રિક્ષામાંથી લેડી ડોક્ટરે હેલ્પ..હેલ્પ.ની બૂમો પાડતાં ઉત્તેજના સર્જાઇ હતી.ગોત્રી પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી છે.
ગોરવા વિસ્તારમાં રહેતી અને દિવાળી પુરામાં ક્લિનિક ધરાવતી ડો.ક્રિશિતાએ પોલીસને કહ્યું છે કે,રોજની જેમ આજે બપોરે હું રેપિડો પર રિક્ષા બુક કરાવી ક્લિનિક પર જતી હતી ત્યારે ગોત્રી જીઇબીની ઓફિસ પાસેથી રિક્ષા ચાલકે બીજા રૃટ પરથી રિક્ષા લેતાં મેં તેને રોજના રૃટ પરથી રિક્ષા લેવા કહ્યું હતું.
રિક્ષા ચાલકે રોડ બંધ છે તેમ કહેતાં મેં તેેને હું જાણું છું પણ ડિવાઇડરના કટમાંથી રિક્ષા જઇ શકે છે તેમ કહેતાં રિક્ષા ચાલકે ગેર વર્તણૂક કરી હતી.જેથી મેં મદદ માટે બૂમો પાડતાં રિક્ષાચાલકે રિક્ષા દોડાવી હતી.આગળ થોડીવાર માટે રિક્ષા ઉભી રહેતાં હું ઉતરવા ગઇ ત્યારે તેણે ફુલસ્પીડે દોડાવી દેતાં હું રસ્તા પર પડી હતી અને ઇજા થઇ હતી.મારો સામાન પણ રિક્ષાચાલક લઇ ગયો હતો.ગોત્રી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી રિક્ષાચાલક પઠાણ સલમાન જાનશેર(રોશનપાર્ક,નવાયાર્ડ અર્બન હેલ્થ સેન્ટર પાસે) સામે ગુનો નોંધ્યો છે.