વડોદરામાં 5000 જર્જરિત મકાનો માટે માત્ર કાગળ પર કામગીરી,1200ને જ નોટિસઃવાડીમાં મકાન તૂટતાં મહિલા દબાઇ
વડોદરાઃ વડોદરામાં જર્જરિત મકાનો પ્રત્યે કોર્પોરેશનની કામગીરી માત્ર કાગળ પુરતી હોય તેમ લાગી રહ્યું છે.જેને કારણે વારંવાર મકાનો ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે.આજે વાડી વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાયી થયું હતું.
વડોદરામાં ચાર દરવાજા અને તેની આસપાસના વિસ્તારોમાં મકાનો ધરાશાયી થવાના બનાવો વધુ બનતા હોય છે.જર્જરિત મકાનો ઉતારી લેવા માટે કોર્પોરેશન દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવતો હોય છે.
પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરામાં ૫ હજાર થી વધુ મકાનો જર્જરિત હાલતમાં છે.પરંતુ કોર્પોરેશને અત્યાર સુધીમાં માત્ર ૧૨૦૦ મકાનોને નોટિસ આપી છે.જેને કારણે અનેક જર્જરિત મકાનો ચોમાસા દરમિયાન વધુ જોખમી બને તેવી શક્યતા છે.
આજે વાડી સોનીપોળ-૩માં એક મકાનનો ભાગ ધરાશાયી થતાં અંદર રહેતા સિનિયર સિટિઝન દામીનીબેન પંડયાને માથાના ભાગે ઇજા થઇ હતી.બનાવ બનતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ પણ આવી ગઇ હતી.ઇજાગ્રસ્ત મહિલાને બહાર કાઢી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.