વડોદરા કોર્પોરેશનએ મંદિર તોડી નાખ્યા બાદ સ્થાનિક રહીશોનો મંદિરના અવશેષ સાથે મોરચો : હોબાળો
વડોદરા,તા.01 માર્ચ 2024,શુક્રવાર
વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત ચીમનલાલ પાર્ક પાસે 80 વર્ષ જૂનું ભાથુજી મહારાજનું મંદિર ગઈકાલે વડોદરા કોર્પોરેશન દ્વારા તોડવામાં આવ્યું જેના વિરોધમાં આજે મંદિરના અવશેષ સાથે કોર્પોરેશન ખાતે મોરચો આવ્યો હતો. જેમાં સ્થાનિક રહીશોએ રસ્તા પર નડતરરૂપ બિલ્ડરોના દબાણો અને લઘુમતી કોમના ધાર્મિક સ્થાનો તોડાતા નથી અને મંદિર તોડવામાં આવે છે તેવા આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક રહીશો મંદિરના અવશેષ લઈને આવ્યા હતા. વાઘોડિયા કલાદર્શન રોડ ખાતે આવેલ આશરે 80 વર્ષ જૂનું ભાથુજી મહારાજની દેરી પર કોર્પોરેશનએ બુલડોઝર ફેરવી દેતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.
વડોદરાના વાઘોડિયાના પૂનમ કોમ્પ્લેક્સની સામે આવેલ રામવાટીકા રોડ ઉપર આશરે 80 વર્ષ જૂનું ભાથુજી મહારાજની દેરી બનાવવામાં આવી હતી. વિસ્તારના લોકો આ દેરીમાં આસ્થા સાથે ઊંઝા અર્ચના કરતા આવ્યા છે તેમ નાગરિકોનું કહેવું છે. વડોદરા કોર્પોરેશનના દબાણ શાખા ટીમ દ્વારા દેરી તોડી પાડવામાં આવ્યા બાદ સ્થાનિક રહીશોએ સ્થળ પર હોબાળો મચાવી મંદિરના ઘાટમાર પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તે દરમિયાન કોઈ વ્યક્તિએ બે ચાર પથ્થરો ફેંકતા વાતાવરણ વધુ તંગ બને તેવી પરિસ્થિતિ સર્જાતા પોલીસે 5 થી 6 વ્યક્તિની અટકાયત કરી હતી અને મામલો શાંત પાડ્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોની આગેવાનીમાં ભાથીજી મહારાજની દેરી તોડવાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને સાથે વડોદરા કોર્પોરેશન ઉપર આક્ષેપ કર્યો હતો કોઈપણ અગાઉ નોટિસ આપ્યા સિવાય આ દેરી તોડવામાં આવે છે.
સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રસ્તાને નડતરરૂપ બિલ્ડરોના દબાણ હોય કે પછી અન્ય લઘુમતી કોમના ધાર્મિક સ્થાનો તોડવામાં આવતા નથી. આજે સ્થાનિક રહીશોને વડોદરાના મેયરએ યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવતા મામલો શાંત પડ્યો હતો.