વર્ષ પૂરું થઈ ગયા બાદ MSU સત્તાધીશોને સ્કોલરશિપ આપવાનુ યાદ આવ્યું
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોને આખું વર્ષ પૂરું થઈ ગયા બાદ વેકેશનમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાનુ યાદ આવ્યુ છે.
એમ.એસ.યુનિવર્સિટી રાજ્યની એક માત્ર ગ્રાન્ટેડ યુનિવર્સિટી છે જે 3.5 લાખ રૂપિયાથી ઓછી આવક હોય તેવા પરિવારના વિદ્યાર્થીઓને સ્કોલરશિપના ભાગરુપે તેમણે ભરેલી ફી પાછી આપે છે.
દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરીમાં વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનુ કહેવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ ક્વોલિફાય હોય તેમને વેકેશન શરૂ થાય તે પહેલા તેમને બેન્ક એકાઉન્ટમાં ફી પાછી આપવામાં આવે છે.
જોકે સ્વપ્રશસ્તિમાં રાચતા રહેતા આત્મમુગ્ધ સત્તાધીશોને આ વર્ષે સ્કોલરશિપ આપવાની છે તેવુ હવે યાદ આવ્યું છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે ઓનલાઈન અરજી કરવા માટે તા.23 મેથી તા.6 જૂન સુધીનો સમય આપ્યો છે. એ પછી યુનિવર્સિટીના સ્ટુડન્ટ વેલફેર વિભાગ દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને કદાચ વિદ્યાર્થીઓને 2023-24ના વર્ષ માટે વેકેશન પૂરું થાય બાદ સ્કોલરશિપ મળશે તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે એક થી બે કરોડ રૂપિયાની ફી વિદ્યાર્થીઓને રિફંડ કરવામાં આવે છે.