દારૃ ભરેલી ટ્રક પલટી ગયા બાદ પોલીસે જથ્થો બારોબાર વગે કર્યો
લાકડાની નીચે ઇંગ્લીશ દારૃનો જથ્થો છુપાવીને લઇ જવાતો હતો ઃ અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થતા પોલીસને ફાવી ગઇ
વડોદરા તા.20 વડોદરા નજીક દુમાડ પાસેના હાઇવે પર એક આઇશર ટ્રક અકસ્માત બાદ ઊંઘી પડી ગયા બાદ તેમાં સંતાડેલો મોંઘી કિંમતનો દારૃનો મોટો જથ્થો પોલીસે બારોબાર વગે કરી દીધો હોવાની વિગતો બહાર આવી છે. લાકડાની નીચે છુપાવીને લઇ જવાતા દારૃની સાથે લાકડાનો કેટલોક મુદ્દામાલ પણ વેચી દીધો હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે તા.૧૦ના રોજ વહેલી સવારે દુમાડથી એક કિલોમીટરના અંતરે હાઇવે પર આગળ જતી એક ટ્રક સાથે અથડાયા બાદ આઇશર ટ્રકે રોડની સાઇડ પર પલટી મારી હતી. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે તપાસ હાથ ધરી તો પલટી મારેલ આઇશરમાં લાકડાના જથ્થાની નીચે બીયર તેમજ વોડકા, રમ તેમજ મોંઘી બ્રાન્ડની વ્હિસ્કીની બોટલો જણાઇ હતી. અકસ્માત તેમજ મોંઘો દારૃ જોઇને પોલીસની દાનત બગડી હતી અને કેસ પણ કરવો તેમજ પોતે પણ કમાવી લેવું તેની નીતિ અપનાવી હતી.
અક્સ્માત બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો અને હાઇવે પર વહેલી સવારે વધારે અવરજવર નહી હોવાથી પોલીસે તાત્કાલિક નજીકના ગામમાંથી માણસોને બોલાવી ટ્રક સાથેનો મુદ્દામાલ હાઇવે પાસેના એક ખુલ્લા ગ્રાઉન્ડમાં લઇ ગયા હતાં. બાદમાં ટ્રકમાં ચેક કરતાં બીયરની બોટલો ઉપરાંત વોડકા, રમ, મોંઘી કિંમતની વ્હિસ્કીની બોટલોની પેટીઓ હતી. બીયર સિવાયના જથ્થાનો પોલીસે બારોબાર વહીવટ કરી નાંખ્યો હતો. જ્યારે એક ટ્રેક્ટર બોલાવી તેમાં લાકડા ભરીને તેની પણ રોકડી કરી લીધી હતી.
દારૃનો જથ્થો ભરેલી ગાડી પલટી માર્યા બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કરામત પોલીસ તેમજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. દારૃ વગે કરવાનો સમગ્ર કાંડ એક પીઆઇની સીધી સૂચનાથી કરવામાં આવ્યો હોવાની ચર્ચા પણ પોલીસમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી આઇશર ટ્રક તેમજ લાકડાનો કેટલોક જથ્થો હજી પણ દુમાડ પાસે એક ખુલ્લા મેદાનમાં પોલીસની નજર સામે જ પડી રહ્યો છે.