Get The App

અંકલેશ્વર GIDCની કંપનીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરી મુંબઇ મોકલવાનું હતુંઃ માલિક સહિત ચાર ઝડપાયા

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
અંકલેશ્વર GIDCની કંપનીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરી મુંબઇ મોકલવાનું હતુંઃ માલિક સહિત ચાર ઝડપાયા 1 - image

Drugs seized in Ankleshwar GIDC: ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર જીઆઈડીસીની વધુ એક કંપનીમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ હતું. સુરત પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીની અવસર એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ફેક્ટરીમાં દરોડા પાડી બે કરોડ ઉપરાંતનું એમ ડી ડ્રગ્સ ઝડપી પાડી કંપની સંચાલક સહિત ચારની ધડપકડ કરી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ગત 13 ઓક્ટોબરે આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂ.5 હજાર કરોડનુ કોકેન ઝડપાયું હતું, બાદમાં સોમવારે અંકલેશ્વરની વધુ એક કંપનીમાંથી ડ્રગ્સ બનાવવાનુ રેકેટ ઝડપાતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વિશાલ પટેલ નામનો શખ્સ અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં અવસર એન્ટરપ્રાઇઝ નામની ફેકટરીમાં એમડી ડ્રગ્સનો જથ્થો બનાવી તેના માણસો મોન્ટુ પટેલ, વિરાટ પટેલ તથા વિપુલ પટેલ એમડી ડ્રગ્સનો જથ્થો લઇ ભરૂચ પાસિંગની એક કારમાં સાંજના છ વાગ્યાના અરસામાં સુરતમાં રાજ હોટલ થઇ વેલંજા ગામ રંગોલી ચોકડી તરફ જતા રોડ ઉપરથી પસાર થવાના છે. 

આ માહિતીના આધારે  સુરત ક્રાઈમ બ્રાન્ચ, સુરત ગ્રામ્ય તથા ભરૂચ એસઓજી પોલીસ એલર્ટ થઇ હતી અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વેલંજા ગામની સીમમા રાજ હોટલથી રંગોલી ચાર રસ્તા તરફ જવાના રોડ પરથી મોન્ટુ દિલીપભાઇ પટેલ, વિરાટ હસમુખભાઇ પટેલ, વિપુલ જયંતિભાઇ પટેલને 2.031 કિલોગ્રામ રૂ.2.03 કરોડના એમડી ડ્રગ્સ તથા સ્કોડા સ્લાવીયા ફોરવ્હીલ કાર સાથે કુલ રૂ.2.16 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા અને એનડીપીએસ એક્ટ હેઠળ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તથા ભરૂચ જિલ્લા એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંકલેશ્વર જીઆઈડીસીમાં કરમાતુર ચોકડી પાસે આવેલ અવસર એન્ટરપ્રાઈઝમાં રેઇડ કરી વિશાલ મુકુંદ પટેલને રૂ.14.10 લાખ કિંમતના 141 ગ્રામ વજનના એમડી ડ્રગ્સ તથા અન્ય શંકાસ્પદ 427.95 કિલો માદક પદાર્થ જેનુ એફએસએલ દ્વારા વધુ પૃથ્થકરણ થવા ઉપર બાકી હોય તે કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.



Google NewsGoogle News