દારૃની ગાડીને અકસ્માત નડયાં બાદ રસિયાઓએ બોટલોની લૂંટ ચલાવી

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
દારૃની ગાડીને અકસ્માત નડયાં બાદ રસિયાઓએ બોટલોની લૂંટ ચલાવી 1 - image


પ્રાંતિયા ગામ પાસે હાઇવે પર

ગિફ્ટ સીટીથી થોડા કિલોમીટર જ દુર દારૃની હેરફેર કરતી ગાડીએ ઇકોવાન સાથે અકસ્માત સર્જયો હતો

ગાંધીનગર : પ્રાંતિયા ગામ પાસે હાઇવે પર દારૃની હેરાફેરી કરતી ગાડીનો ઇકોવાન સાથે અકસ્માત થતાં ગાડીનો ડ્રાઇવર નાશી ગયો હતો. દરમિયાન સ્થાનિકો સહિત લોકોને અકસ્માતગ્રસ્ત ગાડીમાં વિદેશી પ્રકારનો દારૃ અને બિયર હોવાનું જાણવામાં આવતાં બોટલોની રીતસરની લૂંટ મચી હતી. અહીંથી પસાર થતાં વાહન ચાલકો પણ બોટલો ઉઠાવી ગયા હતાં. ગિફ્ટ સિટીથી થોડા કિલોમીટર દુર જ આ બનાવ બન્યો હતો.

નરોડાથી ચિલોડાને જોડતા સિક્સલેન હાઇવે પર પ્રાતિયા ગામ પાસે એક સ્વિફ્ટ કાર અને ઇકો વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત સ્વિફ્ટ કારમાં દારૃ અને બિયરની પેટીઓ ભરેલી હોવાથી ચાલક સ્થળ પર જ ગાડી છોડીને તરત જ ફરાર થઈ ગયો હતો. અકસ્માત થવાથી કુતુહલવશ એકઠા થયેલા ટોળાની નજર સ્વિફ્ટ કારમાં પડતા જ અંદર દારૃ તેમજ બિયર ભરેલી પેટીઓ નજરે ચઢી હતી. આ સાથે જ દારૃ પીવાના શોખીનોને જાણે લોટરી લાગી હોય તેમ લોકોએ રીતસરની લૂંટ ચલાવી હતી અને જે હાથ લાગ્યું તે દારૃ કે બિયર લઈ લોકો ભાગવા લાગ્યા હતાં. ત્યાંથી પસાર થતી કારના ચાલકોએ પણ દારૃ બિયર તફડાવી લઇને ચાલતી પકડી હતી. આ બનાવમાં દારૃ ભરેલી કાર ક્યાંની હતી તે જાણી શકાયું ન હતું.


Google NewsGoogle News