યુવતીએ સંબંધ તોડી નાંખતા યુવક દ્વારા હેરાનગતિ શરૃ
યુવતી સાથે સંબંધ રાખનાર અન્ય લોકોને પણ જાનથી મારી નાંખવાની ધમકી
વડોદરા,યુવતીએ સંબંધ તોડી નાંખતા છંછેડાયેલા યુવક દ્વારા તેને હેરાન કરવાનું શરૃ કરી યુવતીના મિત્રને ધમકી આપવામાં આવતી હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી આદર્શ નગરમાં રહેતા મોહસીન સિકંદરભાઇ પઠાણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અબ્બુ શેખ ઉર્ફે અરબાજ શેખ (રહે. બ્રાહ્મણ ફળિયાની બાજુમાં, માળી મહોલ્લો, મકરપુરા) સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા હું એક યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો. તેની સાથે અગાઉ અબ્બુ શેખને પ્રેમ સંબંધ હતો. પરંતુ, યુવતીએ હવે તેની સાથે કોઇ સંબંધ રાખ્યો નથી. જેથી, તે યુવતી સાથે સંબંધ રાખતા અન્ય લોકોને હેરાન કરે છે. તેણે મને ત્રણથી ચાર વખત જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. તેમજ યુવતીને પણ સંબંધ રાખવા માટે ધમકી આપે છે. તેનાથી કંટાળીને હું તથા મારી ફ્રેન્ડ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મળવા ગયા હતા. ત્યારબાદ પણ અબ્બુ શેખે મને ફોન કરીને ધમકી આપી હતી કે, તું યુવતીને સપોર્ટ કરે છે. તો તને પણ જાનથી મારી નાંખીશ. યુવકની ફરિયાદ નહીં લેનાર મકરપુરાના પી.એસ.આઇ. સામે પણ યુવકે ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરી છે.