આગના બનાવ બાદ કોર્પો.ની ટીમે નડતરરૃપ દબાણ હટાવ્યા

નવાબજાર અને ચોખંડી વિસ્તારમાંથી નડતરરૃપ ૭૨ શેડ અને ૧૧ લારીઓ હટાવી

નવાબજાર - ચોખંડીમાં દબાણો હટાવતા નાસભાગ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
આગના બનાવ બાદ કોર્પો.ની ટીમે નડતરરૃપ દબાણ હટાવ્યા 1 - image

વડોદરા,વડોદરાના ગીચ કહી શકાય તેવા ચોખંડી - બકરાવાડી વિસ્તારમાં સવારે ઓઈલ ડેપોમાં આગના બનાવ બાદ ફાયર બ્રિગેડને દબાણોને લીધે પહોંચવામાં મોડું થયું હતું, જેથી કોર્પોરેશને બપોરે તાબડતોબ નડતરરૃપ દબાણો હટાવવાની કામગીરી કરી હતી. મોડી સાંજે નવાબજાર ખાતે પણ સપાટો બોલાવી બંને સ્થળેથી ૭૨ શેડ હટાવ્યા હતા.

ગીચ વિસ્તારમાં રોડની સાઈડે ગેરકાયદે શેડ ઊભા કરી દેવાયા હતા અને લારીઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. જેના લીધે ફાયર બ્રિગેડ તાબડતોબ સ્થળ પર પહોંચી શક્યું ન હતું. હજી જો વધુ વિલંબ થયો હોત તો નજીકની ચાર દુકાનો લપેટમાં આવી જાત. આ વિસ્તારમાં ગેરકાયદે દબાણોની સમસ્યા હતી જ અને તે હટાવવા માગણી થઈ હતી. આજે સવારે આગ દુર્ઘટના સર્જાતા કોર્પો.ની દબાણ હટાવ ટીમ ત્રાટકી હતી અને અવરોધરૃપ બનેલા ૨૨ શેડ હટાવ્યા હતા અને ૧૧ લારીઓ પણ ઊંચકી લઈને માર્ગ ખુલ્લો કર્યો હતો.

આ ઉપરાંત નવાબજાર અને મંગળબજાર જેવા ગીચ વિસ્તારમાં પણ નવરાત્રિ અને દિવાળી પર્વને અનુલક્ષીને ધૂમ ખરીદી થઈ રહી હોવાથી ભારે ભીડ ઊમટતા ગીચતા જોવા મળે છે. આ વિસ્તારમાં પણ નડતરરૃપ ૫૦ શેડ હટાવવાની કામગીરી કરતા નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોર્પો.ની ટીમે ૧ ટ્રક ભરાય તેટલો સામાન જપ્ત કર્યો હતો.  આવા ગીચ વિસ્તારમાં આગનો બનાવ બને તો દબાણોને લીધે ફાયરબ્રિગેડને સ્થળ પર પહોંચવા નાકે દમ આવી જાય.


Google NewsGoogle News