ચૂંટણી જાહેર થયા પછી ગુનાઇત પ્રવૃત્તિમાં સામેલ ૨૭ આરોપીઓને પાસા
આ વર્ષે દારૃના ગુનામાં અત્યારસુધી ૩૭ અને સાયબર ક્રાઇમના એક આરોપીઓની પાસા હેઠળ અટકાયત
વડોદરા,ચૂંટણી જાહેર થયા પછી શહેર પોલીસે ગુનેગારી કરતા તત્વોની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એક મહિનામાં પોલીસે અલગ - અલગ ગુનામાં સંડોવાયેલા કુલ ૨૭ આરોપીની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ - અલગ જેલમાં મોકલી આપ્યા છે.
શહેરમાં દારૃની પ્રવૃત્તિ ઉપરાંત મારામારી કરનાર અને માથાભારે તત્વો શહેરની શાંતિમાં અડચણ ઉભી ના કરે તે માટે તેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પીસીબી પી.આઇ. એસ.ડી. રાતડાએ હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન ૧ લી જાન્યુઆરીથી અત્યારસુધી કુલ ૬૪ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી છે. જેમાં દેશી દારૃના કેસમાં પકડાયેલા બે, વિદેશી દારૃના ગુનામાં સંડોવાયેલા ૩૫, મારામારી કરી અરાજકતા ઉભા કરનાર ૨૫ ડેન્જર્સ પર્સન, જુગારની પ્રવૃત્તિ કરતા એક તેમજ સાયબર ફ્રોડ કરતા એક આરોપીનો સમાવેશ થાય છે.
જેમાં ચૂંટણી જાહેર થયા પછીની કાર્યવાહી પણ સામેલ છે. લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી પીસીબીએ વિદેશી દારૃના ગુનામાં સામેલ ૨૦, શરીર સંબંધી એટલેકે મારામારી જેવા ગંભીર ગુનામાં સામેલ ૩ અને ચોરી જેવા મિલકત સંબંધી ગુનામાં પકડાયેલા ૨૭ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી છે.
આજરોજ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ, પીસીબી પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ખાલીદ યુસુફભાઇ ગજીયાવાલા ( રહે. અલકા બિલ્ડિંગની સામે, નાગરવાડા) ની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલ ખાતે મોકલી આપ્યો છે. ખાલીદે અકોટા પોલીસ સ્ટેશની હદમાંથી એક બાઇક અને મોપેડની ચોરી કરી હતી. જ્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી એક મોપેડની ઉઠાંતરી કરી હતી.