મોપેડ ચાલકના મોત પછી બાઇક ચાલકનું પણ મોત થયું
મોપેડ ચાલક રોંગ સાઇડ આવીને બાઇક ચાલક સાથે અથડાયો હતો
વડોદરા,રોંગ સાઇડ પૂર ઝડપે આવતા મોપેડ ચાલક બાઇક સાથે અથડાતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ દિવસની સારવાર પછી બાઇક ચાલકનું પણ મોત થયું છે.
શહેર નજીકના સુંદરપુરા ગામે રોઝડેલ કાઉન્ટી સોસાયટીમાં રહેતો પ્રણવ મહેશકુમાર જોશી સીસીટીવીનો વેપાર કરે છે. ગઇકાલે રાતે પ્રણવ અને તેનો મિત્ર નિકિલેશ સુનિલભાઇ પવાર( રહે. સ્વામી સહજાનંદ સોસાયટી, તુલસીધામ પાસે, માંજલપુર) બાઇક લઇને માંડવી કોફી પીવા માટે નીકળ્યા હતા. નિકિલેશ બાઇક ચલાવતો હતો. જ્યારે પ્રણવ પાછળ બેઠો હતો. પ્રતાપ નગર બ્રિજ ચડતા સમયે રોંગ સાઇડ પરથી એક મોપેડ ચાલક પૂર ઝડપે આવ્યો હતો. મોપેડ બાઇક સાથે ધડાકાભેર અથડાતા બંને મિત્રો રોડ પર ફંગોળાયા હતા. તેઓને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે મોપેડ ચાલકને ગંભીર ઇજા થતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. પોલીસની તપાસ દરમિયાન મરનારનું નામ શિશિર વિક્રમભાઇ મહેતા, ઉ.વ.૩૭ ( રહે.શુભ લક્ષ્મી સોસાયટી, વારસિયા રીંગ રોડ) હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણ દિવસની સારવાર દરમિયાન નિકિલેશનું પણ મોત થયું છે.