કારમાં 10 પેસેન્જર્સના મોત થયા બાદ અમદાવાદ-વડોદરા હાઇવેના 5 સ્પોટ પર વાહનોનો જમાવડો અદ્શ્ય
વડોદરાઃ પેસેન્જરોની ગેરકાયદે હેરાફેરી કરતી ખાનગી કારમાં ૧૦ના મોત નીપજવાના બનેલા બનાવ બાદ ખાનગી વાહનોથી ધમધમતા સ્થળો પર સાવ સૂનકાર વ્યાપ્યો છે અને તેની જગ્યાએ હવે પોલીસ દેખાતી થઇ છે.
વડોદરાથી અમદાવાદ વચ્ચે પાંચ જેટલા સ્પોટ પર ખાનગી વાહનો દ્વારા પેસેન્જરોની હેરાફેરી કરવામાં આવે છે.આવા સ્પોટ પર ઇકોવાન અને અર્ટિકા કાર જેવા વાહનોનો જમાવડો જામતો હોય છે.પેસેન્જરોને લેવા માટે પડાપડી પણ થતી હોય છે.
અમિતનગર સર્કલ પાસેથી આવી જ રીતે સુરેન્દ્રસિંહ નામનો રાજસ્થાન ભીલવાડા ખાતે રહેતો ડ્રાઇવર અર્ટિકામાં ફેરી મારતો હતો અને તે દરમિયાન નડીયાદના બિલોદરા નજીક ગેરકાયદે પાર્ક થયેલી ટેન્કરની પાછળ ઘૂસી જતાં ૧૦ જણાના મોત નીપજ્યા હતા.
પોલીસ અને આરટીઓ સહિતના વિભાગોની રહેમનજર હેઠળ ખાનગી વાહનો દોડતા હોવાથી અકસ્માતના બનાવ બાદ તેની સીધી અસર દેખાઇ હતી.તંત્ર દોડતું થયું હતું અને અમિતનગર,સમા,દુમાડ,અમદાવાદ સીટીએમ જેવા સ્પોટ પર થી ખાનગી વાહનોનો જમાવડો અદ્શ્ય થઇ ગયો હતો.
ટોલનાકાના સીસીટીવી પરથી ખાનગી વાહનોની હેરાફેરીની પોલ ખૂલી શકે
ખાનગી વાહનોની રોજની હેરાફેરીના નેટવર્કનો ભેદ ઉકેલવો હોય તો તંત્ર સીસીટીવી કેમેરા કે વાહનોના નંબરનો ઉપયોગ કરી શકે તેમ છે.
સામાન્ય રીતે અછોડા તોડો કે લૂંટ જેવા બનાવોના આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા ટોલનાકાના સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.આ ઉપરાંત મોબાઇલ સર્વેલન્સ પણ કામમાં લાગતું હોય છે.
અમદાવાદ-વડોદરા વચ્ચે ગેરકાયદે પેસેન્જરોની હેરાફેરી કરવાના ચાલતા મોટા નેટવર્કમાં હપ્તાનું રાજકારણ ખેલાતું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.જો તંત્ર ધારે તો આવા વાહનોની હેરાફેરીની નેટવર્ક જાણવા માટે ફૂટેજ તેમજ વાહનોના નંબર ડીટેલને આધાર બનાવી શકે તેમ છે.