કોર્પોરેશનએ તમામ દુકાનો સીલ કર્યા બાદ સરદાર ભવનના ખાચામાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા "ઓન ઓડ ડેટ" પાર્કિંગની વિચારણા
Image: Freepik
વડોદરા શહેરની મધ્યમાં આવેલા સરદાર ભુવનના ખાંચામાં પાલિકા તંત્ર દ્વારા હાયર એનઓસી બાબતે અનેક વ્યાપારી કોમ્પલેક્સો શહીદ ઠેર ઠેકાણે મારવામાં આવેલા સીલ અંગે મોટી સંખ્યામાં એકત્ર સ્થાનિક વેપારીઓએ મ્યુ. કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ તમામ સહકારની ખાતરી આપી વહેલી તકે વેપાર ધંધા શરૂ થાય એ બાબતે રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ ની દુર્ઘટના બાદ પાલિકા તંત્ર એક્શન માં આવ્યું છે અને ફાયર બ્રિગેડ ના એનઓસી બાબતે શહેરભરમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં કેટલાક ધાર્મિક સ્થળોને નોટિસો આપવામાં આવી હતી. જ્યારે કેટલી હોટલો રેસ્ટોરન્ટો તથા સિનેમા ઘરોને પણ સીલ મારી દેવાની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
આવી જ રીતે શહેરની મધ્યમાં આવેલા સરદાર ભવનના ખાચામાં અનેક કોમર્શિયલ બિલ્ડીંગો આવેલી છે અને મોટા ભાગની કોમર્શિયલ બિલ્ડીંગો ના વેપારીઓ પાસે ફાયર એનઓસી નહીં હોવાથી ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા અનેક દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા અને કેટલીક દુકાનના સંચાલકોને નોટિસો પણ ફટકારવામાં આવી હતી.
તાજેતરમાં આ વિસ્તારમાં પાર્કિંગ બાબતે તકરાર થતા જાહેરમાં વૃદ્ધની ધોલઈ કરીને ત્રણ જણાએ ભેગા મળી તેની હત્યા પણ કરી નાખી હતી. જોકે આ વિસ્તારમાં મોટાભાગના તમામ દુકાનદારો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ના દુકાનદારોએ રોડ રસ્તાની જગ્યામાં ગેરકાયદે દબાણો ઓટલા અને દાદર બનાવી દીધા છે. પરિણામે વાહન ચાલકો સામસામા આવી જાય ત્યારે કેટલીય વખત તકરાર સહિત મારામારી જેવા પણ દ્રશ્યો સર્જાયા હતા.
જોકે આ વિસ્તારમાંથી ચાલતા જવું પણ માથાના દુખાવા સમાન બની ગયું છે.
દરમિયાન પાલિકા કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી સહિત સ્થાનિક કોર્પોરેટરોએ પણ આ વિસ્તારની મુલાકાતે આજે આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં એકત્ર વેપારીઓએ પોતપોતાના ધંધા રોજગાર વહેલી તકે શરૂ થાય એ બાબતે પાલિકા પદાધિકારીઓને સઘન રજૂઆત કરી હતી. સાથે સાથે દુકાનદારોએ પોતપોતાના વધારાના ગેરકાયદે દબાણો પણ ખસેડવા બાહેધરી આપી હતી. જોકે પાલિકા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે જો ગેરકાયદે દબાણો સ્વૈચ્છિક રીતે તોડવામાં નહીં આવે તો પાલિકા તંત્રના દબાણ શાખા દ્વારા તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવશે અને આવા જ જે કોઈના ગેરકાયદે દબાણો હશે તેમની પાસેથી પાલિકા તંત્ર દ્વારા નિયત થયેલા ચાર્જ વસૂલ કરવામાં આવશે.
જ્યારે બીજી બાજુ વેપારીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમો પાલિકા તંત્રને જરૂરી બધી જ મદદ કરવા તૈયાર છીએ. આ ઉપરાંત વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પાર્કિંગના કારણે માથાના દુખાવા સમાન બની છે. જેથી પાલિકા કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પોતપોતાના વેપાર ધંધાના સ્થળે પાર્કિંગની વ્યવસ્થા અચૂક કરવી જોઈએ. જોકે તેમણે ટ્રાફિક પોલીસ સાથે મળીને આ વિસ્તારમાં અન-ઇવન પાર્કિંગની સ્કીમનો અમલક કરવા પણ વિચારણા કરાશે તેમ જણાવ્યું હતું. જોકે તમામ વેપારીઓએ પાલિકા તંત્રના આ સૂચનનો પણ અમલ કરવાની તૈયારી રાખવી હતી અને પોતપોતાના વેપાર ધંધા વહેલી તકે શરૂ થાય એ બાબતે પણ પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરતા જણાવ્યું હતું.