પોલીસનું ચેકિંગ જોઇને આરોપી દારૃ ભરેલી કાર છોડીને ફરાર
કારમાંથી ૧.૮૪ લાખનો દારૃ કબજે : નંબર પ્લેટના આધારે આરોપીની શોધખોળ
વડોદરા,પોલીસનું વાહન ચેકિંગ જોઇને પકડાઇ જવાના ડરથી આરોપી દારૃ ભરેલી કાર છોડીને ભાગી ગયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૃની ૧,૬૮૦ બોટલ કબજે કરી છે.
વરણામા પોલીસને માહિતી મળી હતી કે, એક સફેદ કલરની કાર જેના પર એપ્લાયડ ફોર રજીસ્ટ્રેશન લખ્યું છે. તેમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે. તે કાર ડભોઇથી કપુરાઇ તરફ જવાની છે. જેના આધારે વરણામા સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. લાંબરિયાએ કેલનપુર ગામ પાસે આવેલ જાંબુવા નદીના બ્રિજ પર ડભોઇથી વડોદરા તરફ જવાના રસ્તા પર નાકાબંધી કરી વાહન ચેકિંગ શરૃ કરાવ્યું હતું. તે દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા પોલીસે કારને રોકવાનો ઇશારો કર્યો હતો.પરંતુ,કાર ચાલકે ગાડી ભગાવી હતી. પોલીસ સ્ટાફે કારનો પીછો કરતા પકડાઇ જવાના ડરથી કાર ચાલક થોડે દૂર કાર ઉભી રાખી તેના સાગરિત સાથે ભાગી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૃની ૧,૬૮૦ બોટલ કિંમત રૃપિયા ૧.૮૪ લાખની તથા એક નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કાર તથા દારૃ મળીને કુલ રૃપિયા ૮.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે કારમાંથી મળેલી નંબર પ્લેટના આધારે ભાગી છૂટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.