બેંકમાંથી નિવૃત્ત થયા પછી વડોદરાની 3 મહિલાઓએ 68 વર્ષની ઉમરે સમાજ સેવા શરૃ કરી
18 શૈક્ષણિક સંકુલના 4,700વિદ્યાર્થીઓને 22500 ચોપડાં, 3000 નોટબૂક અને 31,500 સ્ટેશનરી વસ્તુઓનું વિતરણ કર્યુ
વડોદરા : સમાજ સેવા કોઇ પણ ઉમરે થઇ શકે છે તે વાત વડોદરાની ૬૮ વર્ષની ત્રણ મહિલાઓએ સિધ્ધ કરી આપ્યુ છે. બેન્કમાંથી નિવૃત્ત થયા બાદ આ ત્રણ મહિલાઓએ સમાજ સેવા કરવાનું નક્કી કર્યુ અને છેલ્લા બે વર્ષથી આ ત્રણ મહિલાઓ કોઇ પણ મદદ વગર પોતાના ખર્ચે શાળાઓમાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહી છે.
હરણી વારસીયા રિંગ રોડ ઉપર રહેતા ભારતીબેન સેવક કહે છે કે 'યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી હું વર્ષ ૨૦૧૬માં નિવૃત્ત થઇ. બેન્કમાં મારી સાથે પદ્મજાબેન (બિનાબેન) અધિકારી અને સુધાબેન દિવેકર પણ કામ કરતા હતા. અમે ત્રણ સહેલીઓ સાથે જ નિવૃત્ત થઇ. નિવૃત્તિ પછી બિનાબેન ઓસ્ટ્રેલિયા જતા રહ્યા. કોરોનાકાળ દરમિયાન બિનાબેનને સમાજસેવાનો વિચાર આવ્યો અને અમને સાથે જોડયા અને છેલ્લા બે વર્ષથી અમે વડોદરા નજીકના આદિવાસી વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક કીટ આપી રહ્યા છીએ ઉપરાંત બાળકોમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ પણ લાવી રહ્યા છીએ. જેમાં વૃક્ષારોપણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો, પ્લાસ્ટિકની થેલીમાં ગરમ ચા સહિતના ખાદ્ય પદાર્થો લાવવા નહી જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે.
તાજેતરમાં તા.૫ થી ૧૦ જુલાઇ દરમિયાન અમે હાલોલ, કાલોલ, જાંબુઘોડા, છોટાઉદેપુર, ડભોઇ તથા વાઘોડિયા પંથકની ૧૫ આશ્રમશાળા, ૨ છાત્રાલય અને એક શૈક્ષણિક સંકુલ મળીને ૧૮ શિક્ષણ કેન્દ્રોના ૪,૭૦૦ વિદ્યાર્થીઓને ૨૨,૫૦૦ ચોપડાં, ૩,૦૦૦ નોટબૂક અને ૩૧,૫૦૦ સ્ટેશનરી વસ્તુઓનું વિતરણ કરાયુ હતું. ધો.૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ૮૯ વર્કબુકના સેટ (શાળા દીઠ ૨ સેટ) તથા ૧,૪૦૦ જેટલા ભૂમિતિય સાધનો સાથેના કમ્પાસ બોક્સ પણ વિતરણ કરાયા હતા.આ ઉપરાંત મહારાષ્ટ્રની પણ એક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ હતું. ગત વર્ષે આ રીતે ૮ શાળાઓમાં શૈક્ષણિક કીટનું વિતરણ અમે કર્યુ હતું.