દુકાનેથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પહોંચી યુગલે મોતને વહાલુ કર્યું હતું
હરણી એરપોર્ટરોડ પરની દુકાન બંધ કરી સાંજે પાંચ વાગે બંને નીકળી ગયા હતાં ઃ બે વર્ષનો લગ્નગાળો
વડોદરા, તા.25 વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેન નીચે પડતું મૂકનાર યુગલની ઓળખ થઇ છે બે વર્ષ પહેલાં જ બંનેના લગ્ન થયા હતાં જો કે બંનેના મૃત્યુનું કારણ હજી અકબંધ છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેનની નીચે આપઘાત કરનાર યુગલના અંગોને રેલવે પોલીસે સયાજી હોસ્પિટલના પીએમ રૃમમાં ખસેડયા હતાં. દરમિયાન આજે સવારે બંનેની ઓળખ થઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં સુરજ રામમણી પાંડે (ઉ.વ.૨૪) અને તેની પત્ની નીલુ (ઉ.વ.૨૩)ની તેમના પરિવારના સભ્યોએ ઓળખ કરી હતી. મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની પરંતુ હાલ ખોડિયારનગર ખાતે ઉપવન હેરિટેજમાં સંયુક્ત કુંટુંબમાં રહેતા હતાં.
હરણી એરપોર્ટ રોડ પર તેઓ ક્લિનિંગની ચીજવસ્તુઓની દુકાન ચલાવતા હતાં. ગઇકાલે સાંજે પાંચ વાગે દુકાન બંધ કરી સુરજ તેની પત્ની નીલુ સાથે નીકળી ગયો હતો અને બંને વિશ્વામિત્રી રેલવે સ્ટેશને પહોંચી ત્યાં એક કલાક સુધી રહ્યા બાદ બંનેએ ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. સાંજે બંને ઘેર પરત નહી ફરતા પરિવારના સભ્યોએ મોબાઇલ કર્યો હતો પરંતુ બંને દુકાનમાં જ મોબાઇલ છોડીને જતા રહેતા ફોન નો રિપ્લાય આવતો હતો.