બાઈક ચાલક સાથે ઝઘડો કરી ચાર શખ્સો 18 હજાર લૂંટી ફરાર

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
બાઈક ચાલક સાથે ઝઘડો કરી ચાર શખ્સો 18  હજાર લૂંટી ફરાર 1 - image


નરોડા ચિલોડા હાઇવે ઉપર રણાસણ પાસે

બાંધકામ સાઈટના સુપરવાઈઝરે પોલીસને જોઈ બૂમો પાડતા શખ્સો રૃપિયાના બંડલ ફેંકી નાસી છૂટયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક નરોડા ચિલોડા હાઇવે ઉપર લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે રણાસણ પાસે બાઈક ઉપર જઈ રહેલા બાંધકામ સાઈટના સુપરવાઇઝર સાથે તકરાર કરીને ચાર શખ્સો દ્વારા એક લાખ રૃપિયાના બંડલ આંચકી લેવામાં આવ્યા હતા. પોલીસને જોઈ સુપરવાઇઝરે બૂમો પાડતા આ શખ્સો રૃપિયા ફેંકીને નાસી છૂટયા હતા. જોકે ૧૮ હજાર રૃપિયાની લૂંટ થઈ હતી જેથી આ મામલે ડભોડા પોલીસ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા નરોડા ચિલોડા હાઇવે ઉપર વધુ એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના નિકોલ ખાતે રહેતા અને બાંધકામ સાઈટમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા વિનોદભાઈ વાઘજીભાઈ બારડ ગઈકાલે સવારના સમયે તેમનું બાઇક લઈને રણાસણ સર્કલથી કરાઈ તરફ સવસ રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા તે સમયે મોપેડ ઉપર બે શખ્સો આવ્યા હતા અને આ બાઇક અમારું છે તેમ કહી ઝપાઝપીક શરૃ કરી હતી. ત્યારબાદ ત્યાં ઉભેલા અન્ય બે શખ્સો પણ આવી ગયા હતા અને તેમણે પણ વિનોદભાઈ સાથે બોલાચાલી કરીને તેમના ખિસ્સામાંથી એક લાખ રૃપિયાના બે બંડલ કાઢી લીધા હતા. જો કે આ જ સમયે પોલીસની ગાડી ત્યાંથી પસાર થતા વિનોદભાઈએ બુમાબુમ કરી હતી. જેથી આ શખ્સો આ બંડલમાંથી અમુક રૃપિયા કાઢીને બંડલ ત્યાં ફેંકીને જતા રહ્યા હતા ત્યારબાદ વિનોદભાઈ પણ તેમની ઓફિસે પહોંચ્યા હતા અને બંડલની તપાસ કરતાં તેમાં હાજર અઢાર હજાર રૃપિયા ઓછા હોવાનું જણાયું હતું જેથી તેઓ સ્થળ ઉપર ફરીથી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી જેથી આ મામલે હાલ તો ડભોડા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચાર લૂંટારાઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.


Google NewsGoogle News