મોબાઇલને બદલે સાબુ નીકળ્યો, ગ્રાહક કમિશને વ્યાજ સાથે રકમ ચુકવવા આદેશ આપ્યો
પાંચ વર્ષ પહેલા વડોદરાના વિદ્યાર્થીએ ફ્લિપકાર્ટ અને સાને રિટેઇલ્સ સામે ફરિયાદ નોંધાવી હતી
વડોદરા : વિદ્યાર્થીએ પાંચ વર્ષ પહેલા ફ્લિપકાર્ટમાંથી સેમસંગ કંપનીનો મોબાઇલ મંગાવ્યો હતો.જો કે વિદ્યાર્થીને મોબાઇલને બદલે સાબુ ડિલિવર કરવામાં આવ્યો હતો. આ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
વડોદરા નજીક આવેલી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી વિરલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી કે તેણે તા. ૨૧ મે ૨૦૧૯ના રોજ ફ્લિપકાર્ટ મારફતે સેમસંગ ગેલેક્સી નોટ-૮ મોબાઇલ મગાવ્યો હતો. આ માટે તેણે ડેબિટકાર્ડ મારફતે રૃ. ૩૬,૯૯૦ની ચુકવણી કરી હતી. જ્યારે મોબાઇલની ડિલિવરી મળી ત્યારે બોક્સ ખોલતા તેમાથી સાબુ નીકળ્યો હતો. આ બાબતે મે તુરંત ફ્લિપકાર્ટને ફરિયાદ કરી હતી પરંતુ કોઇ યોગ્ય જવાબ નહી મળતા આખરે મે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફ્લિપકાર્ટ, સેમસંગ ઇન્ડિયા અને સાને રિટેઇલ્સ પ્રા.લિ. (પંચકુલા, હરિયાણા) સામે ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનેવિદ્યાર્થીની ફરિયાદને ગ્રાહ્ય રાખીને ફ્લિપકાર્ટ અને સાને રિટેઇલ્સને રૃ.૩૬,૯૯૯ ૭ ટકા વ્યાજ સાથે બે મહિનામાં વિદ્યાર્થીને ચુકવી દેવા અને રૃ. ૨ હજાર કાનુની ખર્ચના તથા રૃ. ૨ હજાર માનસિક ત્રાસના વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.