નર્મદા બાદ હવે શહેરની નર્મદા કેનાલમાં પણ મહાકાય મગરનો પડાવ
વડોદરામાં વિશ્વામિત્રી નદી સિવાય આસપાસના ગામોની નદી અને તળાવમાં પણ હવે મગરો દેખાઈ રહ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે મહાકાય મગર દેખાયા બાદ હવે વડોદરાની નર્મદા કેનાલમાં પણ મગરે પડાવ નાખ્યો છે.
વડોદરામાં મગરોની વસ્તી વધી રહી છે અને નવા નવા વિસ્તારોમાં તેઓની એન્ટ્રી પણ થઈ રહી છે. વિશ્વામિત્રી નદીને કારણે વડોદરામાં અનેક રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જતા હોવાના વારંવાર બનાવ બનતા હોય છે. ત્યારે મગર માટે નવો વિસ્તાર ઉમેરાતા નગરજનો ની ચિંતા વધી છે.
થોડા સમય પહેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગર ફરતો દેખાયો હતો. ઉપરોક્ત સ્થળોએ હજારો લોકો વીધી માટે તેમજ નર્મદા સ્નાન માટે આવતા હોવાથી યાત્રાળુઓમાં ગભરાટ ફેલાયો હતો.
દરમિયાનમાં ગઈકાલે વડોદરા ની ગોરવા પંચવટી વિસ્તારની નર્મદા કેનાલમાં પણ મહાકાય મગર દેખાતા ઉપરોક્ત વિસ્તારોના રહીશોમાં ગભરાટની લાગણી વ્યાપી હતી. જીવ દયા કાર્યકરોએ ભારે મહેનત બાદ કેનાલમાંથી સાડા પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો. આ કામગીરી દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.