ઓપરેટરે થોડે દૂર ગયા પછી ટર્ન લીધો અને બોટમાં પાણી ભરાવવાનું શરૃ થયું
બોટ ઓપરેટરે પોતાના નિવેદનમાં ટર્ન લીધો હોવાની વાત છૂપાવી : રેસક્યૂ કરનાર લોકોના પણ નિવેદનો લેવાયા
વડોદરા,હરણી બોટ દુર્ઘટનાની તપાસમાં આજે પોલીસે બચી ગયેલા બાળકો અને શિક્ષિકા ઉપરાંત રેસક્યૂ કામગીરી કરનાર લોકોના નિવેદનો લઇ બોટ ડાબી તરફથી કઇ રીતે ઉંધી વળી ? તે જાણવા માટે પોલીસ કવાયત કરી રહી છે.આ કેસમાં રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓને લઇને પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી હતી.
૧૨ માસૂમ બાળકો અને એક શિક્ષિકા, મહિલા સુપરવાઇઝર સહિત ૧૪ ના ભોગ લેનાર હરણી બોટ દુર્ઘટનામાં પકડાયેલા છ આરોપીઓના પોલીસે રિમાન્ડ લીધા છે. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, પોલીસ આજે આરોપીઓને લઇને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા બોટના ઓપરેટર નયન ગોહિલ અને હેલ્પર અંકિતને લઇને સ્થળ પર જઇને પૂછપરછ કરી હતી કે, બોટ કઇ રીતે ઉંધી વળી ગઇ ? તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, અમે બોટમાં બાળકોને બેસાડીને નીકળ્યા હતા. તે દરમિયાન અચાનક ડાબી બાજુ પાણી ભરાવવા લાગ્યું હતું. જેના કારણે બાળકો અને શિક્ષિકા ગભરાઇ ગયા હતા. જોતજોતામાં બોટ ઉંધી વળી ગઇ હતી.
જ્યારે પી.આઇ.સી.બી. ટંડેલ અને તેમની ટીમે આ ઘટનામાં બચી ગયેલી શિક્ષિકા અને બાળકોના પણ નિવેદનો લેવાનું શરૃ કર્યુ છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે, બોટ ઓપરેટર બોટમાં બાળકોને બેસાડીને લઇ ગયો હતો. થોડે દૂર ગયા પછી ઓપરેટરે ટર્ન લેતા બોટ નમી પડી અને ડાબી બાજુથી પાણી ભરાવવા લાગ્યું હતું. કોઇ કશું સમજે તે પહેલા જ બોટ ઉંધી વળી ગઇ હતી. જ્યારે બોટ ઓપરેટરે ટર્ન લીધો હોવાની વાત છૂપાવી હતી.
આ ઘટનાને નજરે નિહાળનાર અને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકોના પણ નિવેદનો લીધા છે. પરંતુ, તેઓને બોટ કઇ રીતે ઉંધી વળી ગઇ ? તે અંગે માહિતી નથી. તેઓ બૂમાબૂમ સાંભળતા બચાવ કામગીરી માટે દોડી ગયા હતા.
અગાઉ બે ફેરા કર્યા છે, કશું થયું નથી
વડોદરા,બચી ગયેલા શિક્ષિકા માનસીબેને પોલીસને જણાવ્યું હતું કે, મેં બોટ ઓપરેટરને ના પાડી કે, બોટની જેટલી ક્ષમતા છે. તેટલા જ બાળકોને બેસાડો. પરંતુ, તેણે કહ્યું કે, અગાઉ બે ફેરા માર્યા છે. કશું થયું નથી. આ અમારૃં રોજનું છે.તમે ચિંતા ના કરશો. બોટ ઓપરેટરના આવું કહેવા પછી મેં વિરોધ કર્યો નહતો.
પોલીસે આઠ બાળકોના નિવેદન લીધા
બોટવાળાએ સ્પીડ વધારીને ટર્ન લીધો અને પાણી ભરાવવા લાગ્યું
ટીચરે ના પાડી તો પણ બોટવાળો માન્યો નહીં અને બધા છોકરાઓને બેસાડી દીધા
વડોદરા,પોલીસે આજે દુર્ઘટનામાં બચી ગયેલા આઠ બાળકોના ચાઇલ્ડ વેલફેર ઓફિસરની હાજરીમાં નિવેદનો લીધા હતા. બાળકોએ પણ એ વાતને સમર્થન આપ્યું હતું કે, શિક્ષિકાએ બોટ વાળાને પહેલા ના પાડી હતી કે, જેટલી સીટ છે એટલા જ બાળકોને બેસાડો. પરંતુ, બોટવાળો માન્યો નહતો અને કહ્યું કે, અમે કાયમ કરીએ જ છીએ. બોટવાળાએ માત્ર ૧૦ બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા હતા. અન્ય બાળકોેને પહેરાવ્યા નહતા. બોટ થોડી આગળ વધી અને ઓપરેટરે બોટની સ્પીડ વધારી ટર્ન લીધો હતો. તે સમયે જ બોટમાં પાણી ભરાવવા લાગ્યું હતું. થોડી જ ક્ષણોમાં બોટ ઉંધી વળી ગઇ હતી.