દેવું થઇ જતાં લેબર કોન્ટ્રાક્ટરે પોતાને જ ચાકુ મારી રૃ.પોણા દસ લાખની લૂંટનું તરકટ રચ્યું
વડોદરાઃ કારેલીબાગ રાત્રિ બજાર પાસે એક લેબર કોન્ટ્રાક્ટરને બાઇક પર આવેલા બે લૂંટારાઓએ ચાકુના ઘા ઝીકી રૃ.પોણા દસ લાખની રોકડ લૂંટી લીધી હોવાના બનાવનો ભેદ પોલીસે કલાકોમાં જ ઉકેલી દીધો હતો અને લૂંટની ફરિયાદ કરનાર લેબર કોન્ટ્રાક્ટરે બિલ્ડરના રૃપિયા પડાવી લેવા રચેલા તરકટનો ભાંડો ફોડયો હતો.
ન્યુ વીઆઇપી રોડના ખોડિયાર નગર ખાતે રહેતા અને છાણી ચેક પોસ્ટ પાસે ગોપાલભાઇ નામના બિલ્ડરની કન્સ્ટ્રક્શન સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિક્રમ રાઠવાએ તેને લૂંટી લેવામાં આવ્યો હોવાની પોલીસને જાણ કરી હતી.
વિક્રમે કહ્યું હતું કે,તે બિલ્ડરના કહેવા પ્રમાણે કારેલીબાગની કોટક મહિન્દ્રા બેન્કમાંથી રૃ.૯.૭૫ લાખ ઉપાડીને બાઇક પર છાણી જઇ રહ્યો હતો ત્યારે બપોરે અઢી વાગ્યાના અરસામાં અગોરા મોલ પાસે બાઇક પર આવેલા બે લૂંટારાએ તેને અટકાવ્યો હતો અને ચાકુના બે ઘા ઝીકી બેન્કમાંથી ઉપાડેલા રોકડા રૃ.પોણા દસ લાખ લૂંટી ગયા હતા.
ઉપરોક્ત બનાવ બાદ ડીસીપી પન્ના મોમાયા,સમા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી રાઠોડ,ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ થયેલા વિક્રમ રાઠવાની પૂછપરછ કરતાં તેણે ગોળગોળ જવાબો આપ્યા હતા.જેથી પોલીસને તેના પર શંકા ગઇ હતી.
પોલીસે આકરી પૂછપરછ કરતાં વિક્રમ રાઠવાએ દેવું વધી જવાને કારણે બિલ્ડરની રકમ પડાવી લેવા માટે લૂંટનું તરકટ રચ્યું હોવાની વિગતો ખૂલી હતી.જેથી તેને ઘેર જઇ રોકડ રકમ કબજે લીધી હતી.
ડીસીપી પન્ના મોમાયા સહિતના ઉચ્ચ અધિકારીઓને શંકા કેમ પડી
શહેર પોલીસને દોડતી કરનાર લૂંટના બોગસ બનાવનો ભેદ ડીસીપી પન્ના મોમાયા સમાના પીઆઇ મનિષ રાઠોડ અને અન્ય અધિકારીઓની ટીમે ખૂબ જ ચીવટ પૂર્વકની તપાસ કરી કલાકોમાં જ ઉકેલી દીધો હતો.
લેબર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાએ લૂંટનું સ્થળ પસંદ કરવામાં જ થાપ ખાધી હતી.કારણકે બનાવ જ્યાં બન્યો ત્યાં કેમેરામાં કાંઇ દેખાયું નહતું.વળી સામે જ શેરડીનું કોલુ હતું.જો લેબર કોન્ટ્રાક્ટરે બૂમો પાડી હોત તો મદદ મળી શકી હોત.
વળી વિક્રમને ઇજાના નિશાન પણ ઉંડા નહતા.લૂંટાયા બાદ તેણે કોઇને જાણ પણ કરી નહતી અને બાઇક પર છાણી સાઇટ પર ગયો હતો.ત્યાં અડધો કલાક બેસી બનેવીની દુકાને ગયો હતો અને ત્યાંથી એકલો જ હોસ્પિટલ પહોંચ્યો હતો.જ્યાં તેણે બે લાખની લૂંટ થયાનું કહ્યું હતું.આમ ત્રણ કલાક સુધી પોલીસને જાણ કરવાનું તેને યોગ્ય લાગ્યું નહતું.જેથી પોલીસે આકરી પૂછપરછ કરતાં તે પડી ભાંગ્યો હતો અને કબૂલાત કરી હતી.