વડોદરામાં ટીપી ફાઈનલ કર્યા બાદ શહેર ફરતે 75 મીટરનો રીંગ રોડ બનાવવા ખેડૂતોની માગણી
- ટીપી ફાઇનલ કરી ફાઇનલ પ્લોટનો કબજો આપવા પણ રજૂઆત
- ઘણા ખેડૂતોના તો આખા ખેતરો કપાઈ જશે
- ટીપી ફાઇનલ થયા વિના જે હેતુ માટે જમીન રાખી હોય ત્યાં બાંધકામ કરવું હોય તો ચાર ગણું વળતર આપવું પડે
વડોદરા,તા.21 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરા શહેર ફરતે 75 મીટરના રીંગરોડની કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં રીંગરોડ માટે જમીન સંપાદન મુદ્દે 104 ગામના ખેડૂતો આંદોલનના મૂડમાં છે અને ટૂંક સમયમાં આ અંગે એક બેઠક પણ કરવાના છે તેમ જાણવા મળ્યું છે. આ અંગે ખેડૂતોના કહેવા અનુસાર ટીપી ફાઈનલ થયા વિના જે હેતુ માટે જમીન રિઝર્વ રાખી હોય ત્યાં જો બાંધકામ કરવું હોય તો નવા કાયદા અનુસાર ખેડૂતોને ચાર ગણું વળતર ચૂકવવું પડે, પરંતુ સરકાર આ ચૂકવવા માટે તૈયાર નથી. રીંગરોડમાં કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરોના ખેતરો જતા રહે તેવી પરિસ્થિતિ છે, અને જો આમ થાય તો આવા ખેડૂતો પાસે તલભાર પણ જમીન ન રહે. ખેડૂત બેઘર થઈ જાય. તેની પાસે આજીવિકાનું કોઈ સાધન જ ન રહે. આ પરિસ્થિતિમાં ખેડૂતનું કહેવું એવું છે કે પહેલા ટીપી ફાઈનલ કરો. ટીપી ફાઇનલ કર્યા બાદ ફાઇનલ પ્લોટનો કબજો સોંપી દો. ટીપી ફાઈનલ કરીને એ ટીપી સ્કીમમાં પાણી, રોડ, રસ્તા, ડ્રેનેજ સહિતની સુવિધા પણ આપી દો, પરંતુ આ બધું કરવા માટે સરકાર તૈયાર નથી. ટીપી ફાઈનલ કરીને કપાતમાં જે 40 ટકા જગ્યા મળે છે ત્યાં રીંગરોડ બનાવી શકે છે, પરંતુ આવી કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી. એકતા ગ્રામીણ પ્રજાએ વિચાર મંચ તો રીંગરોડ મુદ્દે હાલ થઈ રહેલી પ્રક્રિયાને કાયદા વિરુદ્ધ ગણાવી રહ્યો છે. જ્યાં સુધી ટીપી ફાઈનલ ન થાય અને ખેડૂતોને ફાઇનલ પ્લોટનો કબજો ન મળે ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી સ્થગિત કરી દેવા માંગણી કરી રહ્યો છે.
રીંગરોડમાં અર્બન વિસ્તારમાં આવેલા ગામો જેમકે બિલ, ભાયલી, સેવાસી ,અંકોડિયા, ઊંડેરા, વેમાલી, કપુરાઈ, સુંદરપુરા, ધનીઆવી, અલ્હાદપુરા વગેરે ગામોની જમીનો કપાય છે. ખેડૂતો ફાઇનલ પ્લોટની જમીન સંદર્ભે કોર્પોરેશનમાં પણ રજૂઆત કરવા ગયા હતા ત્યારે તેઓને એવું કહેવાયું હોવાનું જાણવા મળે છે કે રિંગ રોડ તો બનશે જ, પરંતુ ટીપી ફાઇનલ ક્યારે થશે તે કહી શકાય નહીં. જે ગામોના ખેડૂતોની જમીન કપાય છે તે ગામોના ખેડૂતોનો સંપર્ક કર્યા બાદ તમામને એકત્રિત કરીને મીટીંગ કરવામાં આવશે.