વડોદરાના સરાર ગામે યુવતીના પ્રેમ સંબંધ બાબતે બબાલ : બંને પક્ષો વચ્ચે મારામારી બાદ યુવતીએ એસિડ પી લીધું
Crime News Vadodara : વડોદરા નજીક આવેલા સરાર ગામે યુવતીના પ્રેમ સંબંધ બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી અને ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતા યુવતીએ એસિડ પી લેતા તેને સારવાર માટે ખસેડાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે સરાર ગામે રહેતા સંજયભાઈ વસાવાની 17 વર્ષની પુત્રીને ગામમાં રહેતા કમલેશ ભાવસિંગ વસાવા સાથે પ્રેમસંબંધ છે તેવી શંકા રાખી યુવતીનો પિતરાઈ ભાઈ રાહુલ રાકેશ વસાવા અને પ્રવીણ વસાવા બંને કમલેશના ઘરે પહોંચી ગયા હતા. તું કેમ અમારા કાકાની પુત્રીને મેસેજ કરે છે તેમ કહી ઝઘડો કરી રાહુલે માર માર્યો હતો તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે કમલેશે રાહુલ અને પ્રવીણ સામે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સામા પક્ષે રાહુલે કમલેશ, તેની માતા રમીલા, બહેન શીલા અને જયંતિ મંગળદાસ વસાવા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચારેય શખ્સોએ અપશબ્દો બોલીને માથામાં ડંડો માર્યો હતો. તેમજ પ્રાઇવેટ પાર્ટ પકડી લઈ ગાળો આપી હતી. ઉપરોક્ત ઝઘડા દરમિયાન મનમાં લાગી આવતા યુવતીએ એસિડ પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે.