અભ્યાસ શરૃ થયાના 4 મહિના બાદ F.Y.ના 4 હજારથી વધુ વિદ્યાર્થીઓને S.Y.માં એડમિશન મળશે
નેશનલ એજ્યુકેશન પોલિસીનું એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધિશોએ ખોટુ અર્થઘટન કરીને 3 ફેકલ્ટીના 4 હજાર વિદ્યાર્થીઓને ચિંતામાં મુકી દીધા હતા
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીએ નેશનલ એજ્યુકેશન પોલિસી -૨૦૨૦ના નિયમોનું ખોટુ અર્થઘટન કરીને આશરે ૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને ધંધે લગાડી દીધા હતા. જો કે હવે અન્ય યુનિવર્સિટીના હોશિયાર લોકોની સલાહ લીધા બાદ એમ.એસ.યુનિવર્સિટીના સંચાલકોને નિયમોનો સાચો અર્થ ખબર પડયો છે અને તે પ્રમાણે સુધારા કરતા હવે ૪ હજાર વિદ્યાર્થીઓનુ ભણતર ફરીથી પાટે ચઢશે.
વાત એવી હતી કે નેશનલ એજ્યુકેશન પોલિસી -૨૦૨૦ મુજબ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ કુલ બે સેમેસ્ટરમાં ૭ વિષયોની કુલ ૪૪ ક્રેડિટમાંથી ૩૫ ટકા એટલે કે ૧૬ ક્રેડિટ મેળવેલી હોવી જોઇએ. તો આ વિદ્યાર્થીને બીજા વર્ષમાં પ્રવેશ મળે. પરંતુ એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધિશોએ આ નિયમનું એવુ અર્થઘટન કર્યુ કે જો વિદ્યાર્થી એક પણ વિષયમાં ફેઇલ હોય તો બીજા વર્ષમાં પ્રવેશ મળે નહી. સત્તાધિશોના આ મનસ્વી અર્થઘટનના કારણે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ, આર્ટસ અને સાયન્સ મળીને ૩ ફેકલ્ટીના એફવાયના આશરે ૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને બીજા વર્ષમાં પ્રવેશ અપાયો નહતો.
આ મામલે ભારે હોબાળો થતાં એક મહિના પહેલા કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ ૨૦ દિવસ પહેલા જ રિપોર્ટ તૈયાર કરીને વાઇસ ચાન્સેલરને સોંપી દીધો હતો. પરંતુ વી.સી.ને સાઇન કરવાનો સમય નહી મળતા ૨૦ દિવસ બાદ હવે રિપોર્ટનો અમલ કરવામાં આવ્યો છે એટલે કે પ્રથમ વર્ષમાં ૪૪માંથી ૧૬ ક્રેડિટ મેળવનાર વિદ્યાર્થીઓને બીજા વર્ષમાં પ્રવેશ આપવો પડશે. હવે સમસ્યા એ ઉભી થશે કે બીજા વર્ષમાં શિક્ષણ કાર્ય ચાર મહિનાથી શરૃ થઇ ગયુ છે. ફેકલ્ટીઓમાં સેમેસ્ટર એક્ઝામ પણ શરૃ થઇ ગઇ છે એટલે આ ૪ હજાર વિદ્યાર્થીઓનો ચાર મહિનાનો અભ્યાસ અને સેમેસ્ટર એક્ઝામ લેવા માટે ફરીથી આયોજન કરવુ પડશે.
કોમર્સમાં પ્રથમ સેમેસ્ટર એક્ઝામમાં 153 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા
કોમર્સ ફેકલ્ટીમાં નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરાયા બાદ આજથી એફવાયમાં પ્રથમ સેમેસ્ટર એક્ઝામનો પ્રારંભ થયો છે. એક્ઝામ કોર્ડિનેટર ડો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે કુલ ૬,૩૯૨ વિદ્યાર્થીઓમાંથી ૧૫૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. સામાન્ય રીતે સેમેસ્ટર એક્ઝામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦૦થી વધુ રહેતી હતી પરંતુ એનઇપીમાં સેમેસ્ટર એક્ઝામ ફરજિયાત છે એટલે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. જે વિદ્યાર્થીઓ ગેરહાજર છે તેમના માટે એરિયર એક્ઝામ છેલ્લી તક હશે. જો એરિયર એક્ઝામ પણ નહી આપે તો તેઓને ફાઇનલ એક્ઝામમાં બેસવા દેવામાં આવશે નહી.