સ્પોર્ટસ ક્વોટા હેઠળ વિદ્યાર્થીઓને માસ્ટર કોર્સમાં સીધો પ્રવેશ આપવા વિચારણા

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
સ્પોર્ટસ ક્વોટા હેઠળ વિદ્યાર્થીઓને માસ્ટર કોર્સમાં સીધો પ્રવેશ આપવા વિચારણા 1 - image

વડોદરાઃ નવી શિક્ષણ નીતિ હેઠળ હવે એમ.એસ.યુનિવર્સિટીમાં  સ્પોર્ટસ ક્વોટામાં વિદ્યાર્થીઓને માસ્ટરમાં સીધો જ પ્રવેશ આપવામાં આવે તેવી શક્યતા છે.

યુનિવર્સિટી સત્તાધીશોએ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પણ રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે જે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રમતમાં મેડલ વિજેતા હશે તેમને આ રીતે પ્રવેશ અપાશે.જોકે જે કોર્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના આધારે પ્રવેશ અપાય છે તેમાં સ્પોર્ટસ ક્વોટા હેઠળ સીધો પ્રવેશ નહીં અપાય.

ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં  સ્પોર્ટસ ક્વોટાના વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવાનો નિર્ણય પણ લેવાયો હતો.જે આ વર્ષથી લાગુ કરાયો છે.આ નિર્ણય પ્રમાણે મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ દ્વારા માન્યતા પ્રાપ્ત ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા અથવા આવી સ્પર્ધામાં નેશનલ સ્તરે મેડલ જીતનારા વિદ્યાર્થીની સમગ્ર કોર્સની ફી માફ કરવામાં આવશે.

આ પ્રકારની ટુર્નામેન્ટમાં જો કોઈ વિદ્યાર્થી રાજ્ય સ્તરે મેડલ જીત્યો હશે તો તેની પહેલા વર્ષની ફી માફ કરવામાં આવશે.વિદ્યાર્થી અભ્યાસ દરમિયાન મેડલ જીતશે તો તેની તે વર્ષની ફી  માફ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ એવા છે જે વિવિધ રમતોમાં યુનિવર્સિટીનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.આ પૈકીના ઘણા વિદ્યાર્થીઓને આ નિર્ણયનો લાભ મળશે.આ માટે તેમણે ફિઝિકલ એજ્યુકેશન વિભાગનો સંપર્ક સાધવાનો રહેશે.



Google NewsGoogle News