પીએચડીનો એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનારા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ગત વર્ષે લેવાયેલા પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા હજી પણ પૂરી થઈ નહીં હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.
યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના વિભાગો પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં અખાડા કરી રહ્યા હોવાથી રજિસ્ટ્રારે તમામ ફેકલ્ટીઓને વધુ એક પત્ર પરિપત્ર પાઠવ્યો છે અને ૧૧ માર્ચ પહેલા પાસ થયેલા વિદ્યાર્થીઓને પીએચડી માટે પ્રવેશ આપવાની કાર્યવાહી પૂરી કરવા માટે તાકીદ કરી છે.
ઉલ્લેખનીય છે કે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ ગત વર્ષે ૧૬ જુલાઈના રોજ લેવાયો હતો.૮૮૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ ટેસ્ટ આપ્યો હતો અને પરિણામ જાહેર કરાયુ ત્યારે ૪૪ વિદ્યાર્થીઓ પોતે જે વિષયમાં પરીક્ષા આપી હતી તે અનુસાર વિવિધ વિભાગોમાં પ્રવેશ મેળવવા માટે ક્વોલિફાય થયા હતા.
પીએચડી થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે દરેક ફેકલ્ટીના દરેક વિભાગે ડિપાર્ટમેન્ટ સ્તરની રિસર્ચ કમિટિની બેઠક બોલાવવાની હોય છે અને તેમાં વિદ્યાર્થીના પ્રેઝન્ટેશનના આધારે તેને પ્રવેશ આપવો કે નહીં તેનો નિર્ણય લેવાનો હોય છે.જોકે યુનિવર્સિટી સત્તાધીશોએ ૧૭ ઓક્ટોબરે કરેલા પરિપત્રમાં દરેક વિભાગની ડીઆરસી બેઠક બોલાવીને પ્રવેશ કાર્યવાહી ૩૦ ઓક્ટોબર સુધીમાં પૂરી કરવા માટે તાકીદ કરી હતી.