MSUમાં અનામત બેઠકો અંગે મૂંઝવણ વચ્ચે પ્રવેશ કાર્યવાહી, જાણો કઈ ફેકલ્ટીમાં કેટલા ફોર્મ ભરાયા
વડોદરા,ગુરુવાર
એમ.એસ.યુનિવર્સિટી સહિત રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં ધો.૧૨ પછી વિવિધ ડિગ્રી કોર્સમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે.
એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓએ પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણી શરુ તો કરી દીધી છે પણ દરેક ફેકલ્ટીની એડમિશન કમિટિનુ કામનુ ભારણ દર વર્ષ કરતા વધી ગયુ છે.
કારણકે સરકારે એડમિશન પોર્ટલ પર એક કરતા વધારે કોર્સમાં એક જ પ્રવેશ ફોર્મ થકી અરજી કરવાનો વિકલ્પ આપ્યો હોવાથી એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ ફોર્મની સંખ્યા ઘણી વધારે છે.કારણકે મોટાભાગના વિદ્યાર્થીઓએ ત્રણ થી ચાર કોર્સમાં પ્રવેશ માંગ્યો છે.
જેમ કે સાયન્સ ફેકલ્ટીમાં ૨૧૫૯૭ ફોર્મ ભરાયા છે તો આર્ટસ ફેકલ્ટીના વિવિધ કોર્સમાં પ્રવેશ માટે ૧૨૩૮૬ અરજીઓ થઈ છે.કોમર્સ ફેકલ્ટીમાં એફવાય અને એમકોમમાં પ્રવેશ માટે કુલ ૧૮૨૯૫ ફોર્મ ભરાયા છે.દરેક ફેકલ્ટીમાં આ વખતે પ્રવેશ માટે ભરાયેલા ફોર્મની સંખ્યા વધારે છે.યુનિવર્સિટીના સૂત્રોએ કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને એકથી વધારે વિકલ્પ પસંદ કરવાની સગવડ મળી છે અને તેના કારણે દરેક ફેકલ્ટીમાં પ્રવેશ ફોર્મની સંખ્યા વધી છે.જોકે ફોર્મ ભરનારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો ૩૫૦૦૦ની આસપાસ જ થવા જાય છે.
યુનિવર્સિટીમાં પહેલી પ્રવેશ યાદી તા.૧૨ અને ૧૩ જૂનના રોજ બહાર પાડવા માટે સરકારે સૂચના આપી હોવાથી પ્રવેશ ફોર્મની ચકાસણી કરીને યાદી બનાવવા માટે એડમિશન કમિટિના સભ્યો રાઉન્ડ ધ ક્લોક કામગીરી પણ કરી રહ્યા છે.
કઈ ફેકલ્ટીમાં કેટલા પ્રવેશ ફોર્મ ભરાયા
મેનેજમેન્ટ ૧૨૩૧
લો ૧૨૬૫
સંસ્કૃત મહાવિદ્યાલય ૧૪૬
જર્નાલિઝમ ૩૬૧
એજ્યુકેશન ૧૮૭૮
હોમસાયન્સ ૬૨૩૯
ફાઈન આર્ટસ ૧૭૪૯
કોમર્સ ૧૮૨૯૫
આર્ટસ ૧૨૩૮૬
ટેકનોલોજી ૨૫૫૦
સાયન્સ ૨૧૫૯૭
સોશિયલ વર્ક ૧૨૧૧
પરફોર્મિંગ આર્ટસ ૫૩૭
વડોદરાના વિદ્યાર્થીઓ પર અનામત બેઠકો ગુમાવવાની તલવાર લટકી રહી છે
વિવિધ ફેકલ્ટી સ્તરની એડમિશન કમિટિઓએ વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મની ચકાસણી શરુ કરી દીધી છે.પહેલી પ્રવેશ યાદી જાહેર થવાના આડે હવે એક જ સપ્તાહનો સમય રહ્યો છે પણ યુનિવર્સિટી સત્તાધીશોએ વડોદરાના વિદ્યાર્થીઓની અનામત બેઠકોને લઈને હજી સુધી કોઈ ફોડ પાડયો નથી.વડોદરામાં પૂર્વ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ, પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ એક અવાજે વડોદરાના વિદ્યાર્થીઓ માટે ૭૦ ટકા બેઠકો અનામત રહેવી જોઈએ તેવી માંગ કરી હોવા છતા પણ યુનિવર્સિટી સત્તાધીશો અનામત ઘટાડવાનો લેવાયેલો નિર્ણય ફેરવવા માટે તૈયાર નથી.સત્તાધીશોએ આ બાબતે હજી નિર્ણય લેવાયો નથી તેવુ રટણ ચાલુ રાખ્યુ છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફેકલ્ટીઓની ઓફિસોમાં જઈને વડોદરા માટે અનામત બેઠકો રહેશે કે નહીં તેની પૂછપરછ ચાલુ રાખી છે.જોકે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના ઈશારા વગર યુનિવર્સિટીમાં અત્યારે પાંદડુ પણ હાલે નહીં તેવી સ્થિતિ નથી એટલે જ્યાં સુધી તેમના તરફથી કોઈ સૂચના ના મળે ત્યાં સુધી એક પણ ફેકલ્ટી ડીન આ મુદ્દે સ્પષ્ટ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં નથી. આમ વડોદરાના વિદ્યાર્થીઓ પર અનામત બેઠકો ગૂમાવવાની તલવાર હજી પણ લટકી રહી છે.
અનામત બેઠકો અંગે યથાવત મૂંઝવણ વચ્ચે
એફવાયબીએસસીમાં પ્રવેશ માટે ૪૮૦૦ વિદ્યાર્થીઓનુ મેરિટ લિસ્ટ જાહેર કરાયુ
વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત બેઠકો અંગે સ્પષ્ટતાના અભાવ વચ્ચે સાયન્સ ફેકલ્ટીએ એફવાયબીએસસીમાં પ્રવેશ માટે ૪૮૦૦ વિદ્યાર્થીઓની પ્રવેશ યાદી જાહેર કરી દીધી છે અને આ તમામ વિદ્યાર્થીઓને ઈ મેઈલ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા વિષય પસંદગી માટે તા.૭ અને ૮ ના રોજ સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી મેરિટના આધારે સાયન્સ ફેકલ્ટી ખાતે બોલાવવામાં આવ્યા છે.
સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.કટારિયાએ કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને કયા કયા વિષયો લઈ શકાય છે તેની અને વિષય પસંદગી અંગે જાણકારી તથા માર્ગદર્શન આપવામાં આવશે.જો વિદ્યાર્થીઓ આ બે દિવસ દરમિયાન ગેરહાજર રહેશે તો પસંદગીના વિષયોમાં પ્રવેશ માટેની તક ગુમાવશે.હાજર રહેલા વિદ્યાર્થીઓ વિષય પસંદ કરશે તે પછી તેમને પ્રવેશ ઓફર કરવામાં આવશે.કોમન એડમિશન પોર્ટલના પ્રવેશ કાર્યક્રમ પ્રમાણે પ્રવેશ યાદી બહાર પડશે અને વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે.ખાલી પડેલી બેઠકોના આધારે બીજો રાઉન્ડ યોજવામાં આવશે.
દરેક વિદ્યાર્થીએ બીબીએની પરીક્ષા આપવા ૯૦૦ રુપિયા ચૂકવ્યા
સરકારના કોમન એડમિશન પોર્ટલ પર ભરેલી ૩૦૦ રુપિયા ફી અને તેની સાથે બીબીએ કોર્સમાં પ્રવેશ પરીક્ષાની ૬૦૦ રુપિયા ફીના કારણે દરેક વિદ્યાર્થીને પ્રવેશ ફોર્મ માટે ૯૦૦ રુપિયા ભરવાનો વારો આવ્યો હતો.૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ બીબીએમાં પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા.આ દરેક વિદ્યાર્થી પાસેથી ૯૦૦ રુપિયા લેવાયા હતા અને તે પ્રમાણે ગણતરી કરવામાં આવે તો ૪૦૦૦ વિદ્યાર્થીઓ પાસેથી ૩૬ લાખ રુપિયા તો ફોર્મ ફી તરીકે લેવામાં આવ્યા છે.આમ કારમી મોંઘવારીમાં વિદ્યાર્થીને બીબીએ કોર્સમાં પરીક્ષા આપવા માટે ૯૦૦ રુપિયાનો બોજો આવ્યો છે.યુનિવર્સિટી માટે તો બીબીએ કોર્સ કમાણીનુ સાધન બન્યો છે.કારણકે ૯૦૦ પૈકી ૬૦૦ રુપિયા યુનિવર્સિટી પાસે ગયા છે.