એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીમાં બેઠકો ખાલી છતા પ્રવેશ અપાતો નથી
આંતરિક ડખા અને કેમ્પસ પોલિટિક્સના કારણે શૈક્ષણિક કાર્યો પર ગંભીર અસર, યુનિવર્સિટીની પ્રતિષ્ઠા જોખમમાં
વડોદરા : એક સમયે વિશ્વમાં પ્રસિધ્ધ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા એક દાયકામાં આંતરિક ડખાઓ અને કેમ્પસ પોલિટિક્સના કારણે શિક્ષણ કાર્યને ગંભીર અસર પડી છે અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ડાઘ લાગ્યો છે. કોમર્સ ફેકલ્ટીમાં વડોદરાના જ લોકલ સેંકડો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે તેનો વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, આર્ટસ ફેકલ્ટીમાં પણ ગત વર્ષ કરતાં ૫૫૦ બેઠકો ઓછી ભરવામાં આવી છે, જેનો વિરોધ શરૃ થઇ ગયો છે.
આર્ટસમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાઇ, પરંતુ ગત વર્ષે 1800 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતી તેની સામે આ વર્ષે 1250 વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો
વિદ્યાર્થી સંગઠનોનો આક્ષેપ છે કે કોમર્સની જેમ આર્ટસ ફેકલ્ટીમાં પણ આ વખતે એડમિશન પ્રક્રિયા શરૃ થઇ ત્યારથી જ છબરડા હતા, જેના કારણે આ વખતે સેંકડો વિદ્યાર્થીઓ આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે. ગત વર્ષે ૧૮૦૦ વિદ્યાર્થીઓને આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ અપાયો હતો જ્યારે આ વખતે ૧૨૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને ફેકલ્ટીના સત્તાધીશોએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દીધી છે. મતલબ કે ગત વર્ષ કરતાં આ વર્ષે ૫૫૦ બેઠકો ઓછી ભરાઇ છે એટલે કે ખાલી પડી છે.
આ વખતે સરકારે યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોમન પ્લેટફોર્મ 'જીકા' બનાવ્યું છે, જેના માધ્યમથી ત્રણ રાઉન્ડમાં આર્ટસ ફેકલ્ટીમાં ૧,૦૦૦ બેઠકો ભરાઇ હતી, જે બાદ પૂરક પરીક્ષાનું પરિણામ પછી છેલ્લા રાઉન્ડમાં ૨૫૦ બેઠકો ભરાઇ. આમ કુલ ૧,૨૫૦ બેઠકો ભરાઇ છે.બીજી તરફ હજુ પણ સેંકડો વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ ઇચ્છી રહ્યા છે. ફેકલ્ટીમાં ૫૫૦ બેઠકો ખાલી હોવા છતાં યુનિવર્સિટી સત્તાધીશો તે ભરવા તૈયાર નથી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દીધી છે એટલે હવે આર્ટસ ફેકલ્ટીનો વિવાદ વકરે તેવી શક્યતા છે.
કોમર્સ ફેકલ્ટીમાં પણ વિવાદ ૫૦૦ બેઠકો ખાલી છતાં પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને પ્રવેશ નથી અપાતો
કોમર્સ ફેકલ્ટીમાં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નથી આવ્યો જેના પગલે શુક્રવારે વિદ્યાર્થી સંગઠનો કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવા ગયા ત્યારે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને કોમર્સની ખાલી બેઠકો ઉપર પ્રવેશ આપવાની માગ સાથેનું આવેદનપત્ર વિદ્યાર્થી સંગઠનો દ્વારા આજે યુનિવર્સિટી રજિસ્ટ્રારને આપવામાં આવ્યું હતું, જે બાદ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે ત્રણ રાઉન્ડ બાદ વિદ્યાર્થીઓએ ફી ના ભરી હોય તેવી ૩૦૦ બેઠકો ખાલી પડી છે ઉપરાંત, પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ૨૦૦ બેઠકો ખાલી રાખવામાં આવી છે. આમ, ૫૦૦ બેઠકો ખાલી હોવા છતાં પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો નથી.