ગેરકાયદે રેતી ખનનનો ધીકતો ધંધો બંધ કરાવવા વહીવટી તંત્ર નિષ્ફળ : નર્મદા, મહી નદી કાંઠાના 23 સ્થળો પર જાહેરમાં નાહવા ધોવા પર પ્રતિબંધ મુકતા વિવાદ
Vadodara News : વડોદરા શહેર જિલ્લામાંથી પસાર થતી મહીસાગર અને નર્મદા નદીમાં એક બાજુ અનેક જગ્યાઓ પર ગેરકાયદે રેતીખનનનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. તેને વહીવટી તંત્ર અટકાવવામાં નિષ્ફળ નીવડ્યું છે તો બીજી બાજુ આજે જિલ્લા કલેકટરે મહીસાગર અને નર્મદા નદી કાંઠાના 23 જેટલા સ્થળો પર જાહેરમાં નાહવા ધોવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ જારી કર્યો છે જેને કારણે વિવાદ સર્જાયો છે.
વડોદરા શહેર જિલ્લામાં નર્મદા નદી અને મહીસાગર નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારે રેતી ખનન માટેના પરવાના આપી દીધા છે પરંતુ નર્મદા અને મહીસાગરમાં અનેક જગ્યાઓ પર ગેરકાયદે રેતી ખનન થતું રહે છે જેને કારણે પર્યટન અને આનંદ પ્રમોદ માટે આવતા લોકોનો ભોગ લેવાતો રહ્યો છે તાજેતરમાં જ નર્મદા અને મહીસાગરમાં ડૂબી જવાના અનેક કિસ્સા બન્યા છે જેમાં મુખ્ય કારણ રેતી ખનનથી પડેલા મોટા ભુવાને લીધે ડૂબી ગયાનું જણાઈ આવ્યું છે.
એક બાજુ રાજ્ય સરકાર પર પરિવર્તનને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી બાજુ નદી કાંઠા વિસ્તારમાં આનંદ પ્રમોદ માટે અને ખાસ કરીને નર્મદા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરવાની આસ્થા રાખીને આવતા અનેક લોકો માટે નિરાશાજનક નિર્ણય જિલ્લા કલેકટરે લીધો છે.
વડોદરા શહેર જિલ્લામાં અનેક જગ્યાએ નદી કાંઠાના ગામો પાસે રેતી ખનન થઈ રહ્યું છે જેમાં સરકારે કેટલીક જગ્યાએ પરવાનગી આપતી હોય છે તો તેનો ગેરલાભ ઉઠાવી રેતી માફિયાઓ આડેધડ ખોદકામ કરી ગેરકાયદે રેતી ખનનનો દિખતો ધંધો ચલાવી રહ્યા છે . તેને અટકાવવા માટે વહીવટી તંત્ર નિષ્ફળ નિવડ્યું છે તો બીજી બાજુ હવે જિલ્લા કલેકટરે નર્મદા નદી, મહીસાગર કાંઠા વિસ્તારના ગામો અને નર્મદા કેનાલ પર 23 જગ્યા ઉપર જાહેરમાં નાહવા પર પ્રતિબંધ મૂકતો હુકમ જારી કર્યો છે જેને કારણે વિવાદ સર્જાયો છે.
શહેર જિલ્લામાં સુરક્ષાના હેતુસર જાહેર 23 જેટલા જળ સ્ત્રોતો પર નાહવા-ધોવા પર જિલ્લા કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેર-જિલ્લાના વિવિધ ગામોએથી નર્મદા નદી પસાર થાય છે. જેમાં કોટણા, નારેશ્વર, ચાણોદ, સીંધરૉટ, લાંછનપુર, દિવર, મઢી, જેવા 23 ગામો અને નર્મદા કેનાલ પર જાહેર જળ સ્ત્રોતો પર નાહવા ધોવાથી વારંવાર ડૂબી જવાના બનાવો બનતા નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. પરિણામે આવા તમામ જળ સ્ત્રોતો સહિત વિવિધ 23 જગ્યાઓ પર નાહવા ધોવા પર જિલ્લા કલેકટર બકુલ શાહે તાત્કાલિક અમલથી પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે.