વડોદરા જિલ્લામાંDAP ખાતરની અછતઃ ચોમાસા બાદ હવે રવી પાક પર પણ સંકટઃખેડૂતોમાં રોષ
વડોદરાઃ વડોદરા જિલ્લામાં રવી પાક લેવા માંગતા ખેડૂતો ને બે મહિનાથી પાયા રૃપ ગણાતું ડીએપી ખાતર નહીંં મળતાં ભારે રોષની લાગણી વ્યાપી છે.
વડોદરા જિલ્લામાં તાજેતરમાં ચોમાસામાં પૂરના પાણીને કારણે કુલ આઠ તાલુકામાંથી સાત તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડયું હતું.ખેડૂતોને મળેલી સરકારી સહાય પણ માત્ર દેખાવ પૂરતી છે. જેની સામે નુકસાન અનેક ઘણંુ વધારે છે.તેમાંય કેટલાક તાલુકાઓમાં તો હજી વળતરની રકમ મળી નથી.
ચોમાસામાં પડેલા ફટકાની કળ હજી વળી નથી ત્યાં ઘઉં, મકાઈ, બાજરી, વટાણા, ચણા,રાઈ,ટામેટાં, લસણ,ડુંગળી જેવા શિયાળુ પાક (રવી પાક) લેવા માંગતા ખેડૂતોને હવે મૂળભૂત જરૃરિયાતવાળા ડીએપી ખાતરની અછત પરેશાન કરી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા દોઢથી બે મહિના દરમિયાન અમને ડેપો પર ડીએપી નથી તેવા જવાબ આપવામાં આવી રહ્યા છે અને દસ દિવસ પછી આવો તેમ કહી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.
હવે વાવણીનો સમય આવી ગયો છે ત્યારે ડીએપી ખાતર નહીં મળવાથી રવીપાક પણ ગુમાવવો પડે તેવો વખત આવ્યો છે. સરકારે એક સપ્તાહની અંદર આ ખાતરની વ્યવસ્થા કરવી જોઈએ,કારણ કે બીજા ખાતર અમારા માટે બિનઉપજાઉ છે.
ભૂતકાળમાં યુરીયાની અછત હતી ત્યારે ભાજપ દ્વારા કેન્દ્ર સામે ગુજરાતને અન્યાય થાય છે તેવા આક્ષેપો કરાતા હતા
ભૂતકાળમાં યુરીયાની અછત હતી ત્યારે ભાજપ દ્વારા ખેડૂતોને રાજી કરવા માટે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો મૂકવામાં આવતા હતા.
સાવલીના ખેડૂત આગેવાન પ્રદીપભાઇ પંડયાના કહ્યા મુજબ,એક સમય એવો હતો જ્યારે યુરીયાની તીવ્ર અછત હતી અને લાંબી લાઇનમાં ઉભા રહી માત્ર બે જ થેલી આપવામાં આવતી હતી.તે વખતે ભાજપ દ્વારા કેન્દ્ર સરકાર ગુજરાતને પુરતો સ્ટોક આપતી નથી તેમ કહી આક્ષેપો કરવામાં આવતા હતા.
પરંતુ,હવે કેન્દ્રમાં ગુજરાતનું વર્ચસ્વ છે ત્યારે ડીએપીની અછતના મુદ્દે ભાજપના આગેવાનોએ કેન્દ્રમાં રજૂઆત કરી પુરતો સ્ટોક મળે તેમ કરવું જોઇએ.