700 વીઘામાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે 1.34 કરોડની ઠગાઇના કેસનો આરોપી વડોદરામાં પકડાયો
જૂનાગઢના સ્વામિનારાયણના સ્વામી જે કે સ્વામી સહિત સાત સામે સુરતમાં ગુનો નોંધાયો હતો
વડોદરાઃ આણંદના રીંઝ ગામે સાબરમતીના કિનારે ૭૦૦ વીઘા જમીન ખરીદી ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવ માટે સોદો કરવાના નામે સુરતના ડોક્ટર સાથે ૧.૩૪ કરોડની ઠગાઇની સુરત પોલીસે નોંધેલી ફરિયાદમાં વડોદરામાંથી એક આરોપી પકડાતાં તેને સુરત પોલીસને સોંપવા તજવીજ કરાઇ છે.
સુરતના પૂણા ગામે ક્લિનિક ધરાવતા ડો.બાલકૃષ્ણ હડિયાએ ગઇ તા.૧૪મી જૂને સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં તેમની સાથે રૃ.૧.૩૪ કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી.જેમાં આણંદના રીંઝ ગામે નદી કિનારે ૭૦૦ વીઘા જમીન ખરીદવા માટે જૂનાગઢના સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામીએ પ્રોજેક્ટ તૈયાર કરાવ્યો હોવાનું અને તેઓ કેનેડાના ભક્તો પાસેથી રૃ.૨૦ કરોડ અપાવશે તેમ કહી જમીન માલિક સુરેશ ભરવાડને ડોક્ટર પાસેથી રૃપિયા અપાવ્યા હતા.
પરંતુ ત્યારબાદ જમીન માલિક ડોક્ટર પાસે રૃપિયાની ઉઘરાણી કરતો હતો.પરંતુ જે કે સ્વામી તેમજ તેના ખજાનચી તરીકે પરિચય આપનાર સ્નેહલે રૃપિયા ચૂકવ્યા નહતા અને વારંવાર બહાના બતાવ્યા હતા.સમગ્ર કૌભાંડમાં જમીન દલાલ સુરેશ ઘોરીની મુખ્ય ભૂમિકા હતી.જ્યારે સ્વામી અને તેના ખજાનચીના કહેવાથી ડોક્ટરે આરબીઆઇમાંથી રૃ.૨૦ કરોડ છૂટા કરાવવા માટે દિલ્હીમાં આંગડિયા મારફતે રૃ.૫૦ લાખ વિવેક અને દર્શન શાહને મોકલ્યા હતા. આમ,ડોક્ટર તેમજ તેના કઝીને ચૂકવેલા રૃ.૧.૩૪ કરોડ ડૂબી જતાં તેમણે જે કે સ્વામી સહિત સાત જણા સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન દર્શન ઉર્ફે ભરત મનજીભાઇ ગઢાદરા(શ્રી હરિ કોમ્પ્લેક્સ, આજવારોડ)નું નામ ખૂલતાં સુરત પોલીસે વડોદરા પોલીસની મદદ માંગી હતી.જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને હેતલ તુવરની ટીમે દર્શનને ઝડપી પાડી સુરત પોલીસને સોંપવા તજવીજ કરી છે.