એમ.એસ.યુનિ.માં પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 418 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પહેલા હાફની નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લેવાયેલી પરીક્ષાઓમાં ૪૧૮ વિદ્યાર્થીઓ સામે ગેરરીતિ બદલ કાર્યવાહી થઈ હોવાની વિગતો જાણવા મળી છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં પહેલા હાફની પરીક્ષા જાન્યુઆરી મહિના સુધી ચાલી હોવાથી પરીક્ષામાં ગેરરીતિના આરોપસર પકડાયેલા વિદ્યાર્થીઓ સામે અનફેરમીન્સ કમિટિની બેઠક બોલાવવામાં પણ વિલંબ થયો હતો.કુલ ૪૧૮ વિદ્યાર્થીઓને તેડુ મોકલવામાં આવ્યુ હતુ.
જેમના પર ગેરરીતિના આરોપ લાગ્યા હતા તેમાં સૌથી વધારે કોમર્સના ૨૯૬ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.એ પછી આર્ટસના ૪૨ વિદ્યાર્થીઓને, સાયન્સના ૩૪ વિદ્યાર્થીઓને અનફેરમીન્સ કમિટિ સમક્ષ હાજર થવા માટે નોટિસ મોકલવામાં આવી હતી.જ્યારે લોના ૨૮ તેમજ મેનેજમેન્ટ, મેડિસિનના એક-એક વિદ્યાર્થી અને ફાર્મસીના બે વિદ્યાર્થી સામે કાર્યવાહી થઈ હતી.
ગત મહિને મળેલી અનફેરમીન્સ કમિટિની બેઠકમાં આ તમામ વિદ્યાર્થીઓની સુનાવણી બાદ ૫૪ વિદ્યાર્થીઓને ચેતવણી આપીને છોડી મુકવામાં આવ્યા છે.જ્યારે ૨૬૯ વિદ્યાર્થીઓની તેઓ જે પેપરમાં પકડાયા હતા તે પરીક્ષા રદ કરવામાં આવી છે.
૭૨ વિદ્યાર્થીઓ પર આગામી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકાયો છે.જ્યારે ૧૯ વિદ્યાર્થીઓની વર્તમાન પરીક્ષા રદ ગણવાની સાથે સાથે બીજી બે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકાયો છે.બે વિદ્યાર્થીઓ એવા છે જેઓ આગામી ૩ પરીક્ષા નહીં આપી શકે.મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી કોમન એકટ પ્રમાણે અનફેરમીન્સ કમિટિમાં ં પણ ફેરફારો કરવામાં આવ્યા છે અને હવે બોર્ડ ઓફ એક્ઝામિનેશનના ડાયરેકટરને પણ આ કમિટિમાં સ્થાન આપવામાં આવ્યુ છે.