યુવતીને બાઇકની આગળ બેસાડી સ્ટન્ટ ના બનાવ બાદ ટ્રાફિકના નિયમો તોડતા વાહનચાલકો પર તવાઇ
વડોદરાઃ યુવતીને બાઇક પર આગળ બેસાડી સ્ટન્ટ કરનાર યુવકના કિસ્સા બાદ પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓને ટ્રાફિક નિયમોનો ભંગ કરી લોકોના જીવ માટે જોખમ સર્જતા લોકો સામે કડક હાથે કામ લેવા આદેશ આપ્યો છે.
ન્યુ વીઆઇપી રોડ પર બાઇક પર મંગેતરને આગળ ટાંકી પર પોતાની તરફ મોં રાખી બેસાડયા બાદ ફુલસ્પીડે બાઇક હાંકતા યુવકનો વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશનરે તત્કાળ તેને શોધી કાઢવા સૂચના આપી હતી.
જેથી હરણીના ઇન્ચાર્જ પીઆઇ એમ બી રાઠોડે બાઇક નંબર પરથી કલ્પેશ નટવરસિંહ દરબાર(સયાજી ટાઉનશિપ, ખોડિયાર નગર, ન્યુ વીઆઇપી રોડ)ને ઝડપી પાડયો હતો.
ઉપરોક્ત બનાવ બાદ પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને લોકોના જીવ માટે જોખમ સર્જતા આવા તત્વો સામે પગલાં લેવા સૂચના આપી છે.તેમણે કહ્યું હતું કે,જે વાહન ચાલકો રોંગ સાઇડ આવતા હશે, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા હશે તેમજ સિગ્નલ તોડતા હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.