અટલ બ્રિજ પર યુ ટર્ન લેનાર કાર ચાલક સામે સીસીટીના આધારે કાર્યવાહી
ગેંડા સર્કલ પાસે ઇમરજન્સી માટે મૂકેલા બેરિકેડ હટાવી લીધું
વડોદરા,અટલ બ્રિજ પર પોલીસની પરમિશન વગર બેરીકેડ હટાવીને કાર ચલાવનાર કાર ચાલક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા સતત સીસીટીવીથી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે સવારે ૧૧ વાગ્યે એક કાર ચાલકે અટલ બ્રિજ પર ( ગેંડા સર્કલ નજીક) ઇમરજન્સી માટે લગાવેલી બેરીકેડ કોઇની પણ પરમિશન વગર હટાવીને યુ ટર્ન લીધો હતો. સીસીટીવીના ફૂટેજમાં કારનો નંબર દેખાતા પોલીસે તેના આધારે કાર ચાલક ગૌરાંગ મુકેશભાઇ પટેલ (રહે. દિવાળીપુરા)ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગૌરાંગ પટેલે બી.બી.એ.નો અભ્યાસ કર્યો છે. તે કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. સવારે તે નોકરી પર જતો હતો. તે દરમિયાન અટલ બ્રિજ પર ટ્રાફિક જોઇને તે ગભરાયો હતો અને બેરિકેડ હટાવી દીધું હતું.