Get The App

યુનિ.કેમ્પસમાં સાયલેન્સરના મોટા અવાજો કરીને ફરતી બાઈકર્સ ગેંગ સામે કાર્યવાહી

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
યુનિ.કેમ્પસમાં સાયલેન્સરના મોટા અવાજો કરીને ફરતી બાઈકર્સ ગેંગ સામે કાર્યવાહી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં મોડિફાઈડ સાયલેન્સ સાથે બાઈક  દોડાવીને અવાજ કરનારા યુવકો સામે આજે આખરે પોલીસે કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો પ્રમાણે ઘણા બાઈક ચાલકો  સાયલેન્સરમાં એ પ્રકારના સુધારા વધારા કરાવતા હોય છે કે, બાઈક દોડાવતી વખતે ધારે ત્યારે ફટાકડા જેવો મોટો અવાજ થાય.છેલ્લા કેટલાક દિવસોથી આ રીતે પાંચ થી ૬ વિદ્યાર્થીઓની એક ગેંગ કેમ્પસમાં અને ખાસ કરીને આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીની આસપાસ ફરી રહી હતી  અને ફટાકડા જેવા મોટા અવાજો કરી રહી હતી.આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.કારણકે મોટરસાયકલોનો અવાજ ક્લાસરુમ સુધી પણ પહોંચતો હતો.જેના કારણે લેક્ચર દરમિયાન અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ખલેલ પહોંચતી હતી.

આશ્ચર્યની વાત એ હતી કે અત્યાર સુધી યુનિવર્સિટીની સિક્યુરિટીના જવાનો આ બાઈકર્સ ગેંગની હરકતોને ચૂપચાપ જોયા કરતા હતા.યુનિવર્સિટીની હેડ ઓફિસની જ સુરક્ષા એટલે કેમ્પસની સુરક્ષા ..માં માનતી સિક્યુરિટીના કારણે  મોટરસાયકલ ચલાવનારાઓને ખુલ્લી છુટ મળી ગઈ હતી.સિક્યુરિટીએ જાતે કાર્યવાહી કરવાની જગ્યાએ ધાર્યુ હોત તો પોલીસને પણ જાણ કરી હોત.

જોકે રેઢા મુકી દેવાયેલા કેમ્પસમાં સિક્યુરિટીએ આ તસ્દી પણ લીધી નહોતી.આખરે આ અંગે કોઈએ પોલીસને જાણકારી આપી હતી અને ટ્રાફિક પોલીસની એક ટીમ યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી હતી.તેમણે મોટરસાયકલો અને સાયલેન્સરનુ કેમ્પસમાં જ ચેકિંગ કર્યુ હતુ અને પાંચ જેટલા બાઈક સવારોને મેમો આપ્યો હતો.ઉપરાંત તેમને ફરી આ પ્રકારની હરકત નહીં કરવાની ચેતવણી આપી હતી અને બાઈકર્સ ગેંગને કેમ્પસમાંથી રવાના થવાનો આદેશ આપ્યો હતો.પોલીસની કામગીરીની  લેકચર એટેન્ડ કરતા વિદ્યાર્થીઓએ પણ પ્રશંસા કરી હતી.


Google NewsGoogle News