બાળકોના જીવ જોખમમાં મૂકતા ૧૨૫ સ્કૂલ વર્ધીના વાહન ચાલકો સામે કાર્યવાહી
મોટા ભાગના વાહનોમાં ક્ષમતા કરતા બમણી સંખ્યામાં બાળકોને બેસાડી ઘોર નિષ્કાળજી
વડોદરા,સ્કૂલ વર્ધીના વાહનોમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ, સ્કૂલ વર્ધીના વાહન ચાલકો દ્વારા નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાયેલી સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન ૧૨૫ વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો છે.
હરણી લેકઝોનની દુર્ઘટનામાં માસૂમ ૧૨ બાળકોના જીવ ગયા હતા. તેમછતાંય શહેરમાં હજી જીવના જોખમે અને ગંભીર બેદરકારી વિદ્યાર્થીઓ પ્રત્યે રાખવામાં આવી રહી છે. ઘરેથી સ્કૂલે જતા વિદ્યાર્થીઓ મોટાભાગે સ્કૂલ વર્ધીની રિક્ષા અને વાનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ, વધુ નફો રળવાની લાલચમાં સ્કૂલ વર્ધીના વાહન ચલાવતા માલિકો નિયમોનું પાલન નહીં કરી બાળકોનો જીવ જોખમમાં મૂકતા હોય છે. જે બેદરકારી ધ્યાન ેઆવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. ટ્રાફિક ડીસીપી દ્વારા એક સપ્તાહ પહેલા બે સ્પેશ્યલ ટીમ બનાવીને સ્કૂલ વર્ધીના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આજે પોલીસ દ્વારા એકસાથે ૧૬ ટીમ અલગ - અલગ સ્થળે કાર્યરત કરવામાં આવી હતી. મોટા ભાગના સ્કૂલ વર્ધીના વાહનોમાં ક્ષમતા કરતા ડબલ બાળકોને બેસાડી તેઓના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કેટલાક વાહનના ડ્રાઇવર પાસે લાયસન્સ નહતા, પી.યુ.સી. નહતા. આજે દિવસ દરમિયાન કુલ ૧૨૫ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ટેક્સી પાસિંગની જગ્યાએ પ્રાઇવેટ પાસિંગની કારમાં બાળકોને લઇ જવાય છે
વડોદરા,સ્કૂલ વર્ધીના વાહનોનું રજિસ્ટ્રેશન પ્રાઇવેટ હોવું ના જોઇએ. સ્કૂલ વર્ધીના વાહનોનું ટેક્સી પાસિંગ હોવું જોઇએ.પરંતુ, ટેક્સ ઓછો ચૂકવવા બાળકોના જીવ વાહન ચાલકો જોખમમાં મૂકે છે. કેટલીક સ્કૂલો એવી છે કે, ત્યાં જવાના રોડ પર રોંગ સાઇડ જવાથી શોર્ટ કટ થતો હોય છે. પરંતુ, તેમાં અકસ્માતનો ભય હોય છે. તેમછતાંય સ્કૂલે ઝડપથી પહોંચવા માટે કેટલાક વાહન ચાલકો રોંગ સાઇડ વાહનો હંકારતા હોય છે.