કસ્ટોડિયલ ડેથ કેસમાં એસીપી દ્વારા નિવેદનો લેવાનું શરૃ કરાયું
ક્રાઇમ બ્રાંચમાં પોલીસે વધુ પડતું ટોર્ચર કરતા યુવકનું મોત થયું હોવાના આક્ષેપ
વડોદરા, ડીસીબીમાં બાઇક ચોરીના કેસમાં મંગળવારે રાત્રે પૂછપરછ માટે લવાયેલા યુવકનું કસ્ટડીમાં જ મોત થયુ હતું. ક્રાઇમ બ્રાંચે કરેલા ટોર્ચરના કારણે જ મોત થયુ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કેસની તપાસ દરમિયાન એસીપી સી ડિવિઝન દ્વારા સ્ટાફના નિવેદનો લેવાનું શરૃ કરવામાં આવ્યું છે.
તરસાલી હરિઓમ નગરમાં રહેતો ૨૯ વર્ષનો યજ્ઞોશ રાજેન્દ્રભાઇ ચૌધરી ખાનગી લેબમાં નોકરી કરતો હતો.મંગળવારે રાત્રે તેને ક્રાઇમ બ્રાંચમાં પુછપરછ માટે લઇ જવાયો. ત્યાં તેને છાતીમાં દુઃખાવો થતાં પહેલા માંડવી પાસે આવેલી સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાંથી એસએસજીમાં લવાતા ડોક્ટરે યજ્ઞોશને મૃત જાહેર કર્યો હતો.
પરિવારનો આક્ષેપ હતો કે, યજ્ઞોશે ભરૃચના એક મિત્રને ઉછીના પૈસા આપ્યા હતા અને તેના બદલામાં ભરૃચના મિત્રએ તેની બાઇક યજ્ઞોશ પાસે ગીરવે મુકી હતી. આ બાઇક ચોરીની હતી તે યજ્ઞોશને ખબર નહતી.યજ્ઞોશને ક્રાઇમ બ્રાંચમાં લઇ જવાયો ત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ હતો. તેને કોઇ બીમારી નહતી. ક્રાઇમ બ્રાંચમાં એવુ તો શું બન્યુ કે યજ્ઞોશને છાતીમાં દુખાવો થયો અને તેનું મોત થયું. આ કેસની તપાસ એસીપી સી ડિવિઝનને સોંપવામાં આવી છે. એસીપી દ્વારા આ કેસમાં પોલીસ સ્ટાફના નિવેદનો લેવાનું શરૃ કરવામાં આવ્યું છે. પરંતુ, યજ્ઞોશને કોઇએ માર માર્યો હોવાની વિગતો જાણવા મળી નથી.