ટ્રાયલ માટે બે હજારની નોટ સળગાવ્યા પછી ગાય પર એસિડ ફેંક્યુ હતું
આ કેસમાં પકડાયેલા પાંચ બાળ કિશોરોની જામીન અરજી નામંજૂર થઇ
વડોદરા,ગોરવા વિસ્તારમાં ગાય પર એસિડ ફેંકવાના બનાવમાં સામેલ પાંચ બાળ કિશોરોની જામીન અરજી નામંજૂર થઇ છે. બાળ કિશોરોએ સૌ પ્રથમ બે હજારની નોટ પર ટ્રાયલ માટે એસિડ ફેંકી સળગાવી હતી. ત્યારબાદ ગાય પર ફેંક્યું હતું. તેના છાંટા વાછરડા પર પણ પડયા હતા.
ગોરવા આઇ.ટી.આઇ. બાપુની દરગાહ પાસે ગત ૨ જી તારીખે રાતે ગાયના ટોળા પર એસિડ ફેંકવાના બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં કુલ પાંચ બાળ કિશોરોને પકડવામાં આવ્યા હતા. તેઓએ જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી.
પ્રોબેશન ઓફિસરે તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, પહેલા બાળ કિશોરના પરિવારની મુલાકાત દરમિયાન તેઓને આ કૃત્ય અંગે કોઇ પસ્તાવો નથી. બાળકને પણ આ કૃત્યની કોઇ ગંભીરતા નથી.
બીજા બાળ કિશોરના પરિવારે જણાવ્યું હતું કે, તે માનસિક બીમાર છે. સયાજી હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલું સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. તે ધો.૮ સુધી ભણેલો છે. તેની બૌદ્ધિક ક્ષમતા ઘણી ઓછી હોવાથી આગળનો અભ્યાસ બંધ કરાવવામાં આવ્યો હતો.
ત્રીજા બાળ કિશોરના પરિવારજનોએ જણાવ્યું હતું કે, બાળક ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરે. બાળકને પણ આ કૃત્ય અંગે પસ્તાવો છે. ચોથા બાળ કિશોરના પરિવારનો સંપર્ક કરતા તેઓને આ ગુનાની કોઇ ગંભીરતા નથી. બાળકને પણ આ ગુના અંગે કોઇ પસ્તાવો નથી.પાંચમા બાળકના પરિવારને પણ આવા કૃત્ય બદલ કોઇ પસ્તાવો નથી.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે પાંચેય બાળ કિશોરીની જામીન અરજી નામંજૂરી કરી નોંધ્યું હતું કે, એસિડ ગાય પર નાંખવાથી ગાય પણ સળગે તેની જાણકારી હોવાછતાંય આવું કૃત્ય કર્યુ છે. આવા કૃત્ય બદલ સમાજની શાંતિ ના છીનવાય તેમજ તેઓને જામીન પર મુક્ત કરીને કુટુંબમાં પુન ઃ સ્થાપિત કરવા કરતા તેઓને ઓબ્ઝર્વેશન હોમમાં રાખીને પુન ઃ સુધારણાના પ્રયાસો થવા જોઇએ.