યુવાનોને શરમાવે તેવી સિદ્ધિ: ગુજરાતના 62 વર્ષીય મહિલાએ અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ કુલ 390 મેડલ જીત્યા
સ્કૂલ અને કોલેજ કક્ષાએ ખેલકૂદ મેડલ લાવતા હતા, જો કે લગ્ન બાદ શોખ બંધ થઇ ગયા હતા, 54 વર્ષની ઉમરે ફરીથી સ્પર્ધાઓમાં ભાગ લેવાનુ શરૃ કર્યુ
Vadodara : વડોદરામાં રહેતા 62 વર્ષના મહિલા કરૃણા સિંગે તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલી ઇન્ડો-નેપાળ મલ્ટી સ્પોર્ટસ મીટમાં સ્વિમિંગમાં 3 અને એથ્લેટિક્સમાં 3 મળીને 6 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. કરૃણા સિંગે અત્યાર સુધીમાં સ્વિમિંગ, એથ્લેટિક્સ અને સાયકલિંગમાં તેની ઉમર કરતા 6 ગણા મેડલો જીત્યા છે.
વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતા વડોદરા એરપોર્ટના નિવૃત એર ટ્રાફિક કન્ટ્રોલર રાકેશ સિંગના પત્ની એથ્લેટિક્સ અને સ્વિમિંગમાં પોતાની સફળતા અંગે વાત કરતા કહે છે કે હું ૬ વર્ષની ઉમરથી સ્વિમિંગ કરૃ છું. તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભારતમાંથી ૧૫૦ અને નેપાળમાંથી ૪૫ મળીને કુલ ૧૯૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં મે ૬ ગોલ્ડ મેડલ જીત્યા છે. હું પોતે એક સ્કૂલમાં ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી જો કે હવે નિવૃત્ત છું.
નાનપણમાં મે સ્કૂલ કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં અને કોલેજમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં ભાગ લઇને મેડલો જીત્યા હતા. જો કે લગ્ન પછી મારી આ પ્રવૃત્તિ બંધ થઇ ગઇ હતી. લગ્નના ૨૫ વર્ષ બાદ મને પરિવારમાંથી સમય મળતો હતો એટલે ફરીથી સ્પોર્ટસ એક્ટિવિટી શરૃ કરી એટલે કે ૫૪ વર્ષની ઉમરે મે ફરીથી નેશનલ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૃ કર્યું.અત્યાર સુધીમાં મે સ્વિમિંગમાં ૨૦૦, એથ્લેટિક્સમાં ૧૫૦ અને સાયકલિંગમાં ૪૦ મળીને કુલ ૩૯૦ મેડલ જીત્યા છે. જેમાં ૧૪ મેડલ ઇન્ટરનેશનલ છે.