સુરતના વેપારી પાસેથી ૮૬.૫૦ લાખ પડાવી લેનાર ભેજાબાજ ઝડપાયો
ક્રિપ્ટો કરન્સી આપવાનું કહી આરોપીએ ૮૬.૫૦ લાખ પડાવી લીધા હતા
વડોદરા,સુરતના વેપારીને ક્રિપ્ટો કરન્સી આપવાનું કહી ૮૬.૫૦ લાખ રોકડા પડાવી લેનાર વડોદરાના એજન્ટને વડોદરા પોલીસે ઝડપી પાડી સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ગત તા. ૮ મી સપ્ટેમ્બરે ગુનો દાખલ થયો હતો. જેની વિગત એવી છે કે, મૂળ અમરેલીના અને હાલમાં સુરત મોટા વરાછા અંબિકા પીનાકલ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઇ મનસુખભાઇ સાવલીયા ડુમ્મસ રોડ પીપલોદ ગામે લેકવ્યુ મેડિકલ સ્ટોર ચલાવે છે. મારા સાઢુ ભાઇ મહેન્દ્રભાઇએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરશો તો સારૃં વળતર મળશે. તેવું જણાવ્યું હતું. તેમણે રોકાણ માટે જ્યોતિરવદનની વાત કરી હતી. અશ્વિનભાઇએ મિત્રો તથા સગા સંબંધીઓ પાસેથી ૮૬.૫૦ લાખ ભેગા કરી આપ્યા હતા. આરોપી જ્યોતિરવદન ઉર્ફે મુન્નાભાઇ ઉર્ફે રવિભાઇ મંગલસિંહ પટેલ ( રહે. બાલાજી આર્કેડ, રિલાયન્સ ફ્રેશની ઉપર, નિઝામપુરા) એ પોતાની ઓળખ એજન્ટ તરીકે આપી યુ.એસ.ડી.ટી. આપવાનું કહી ૮૬.૫૦ લાખ રોકડા પડાવી લીધા હતા. ગુનો દાખલ થયા પછી આરોપી વડોદરાનું પોતાનું મકાન બંધ કરીને ફરાર થઇ ગયો હતો. દરમિયાન શહેર પોલીસે મળેલી માહિતીના આધારે જ્યોતિરવદનને ઝડપી પાડયો હતો. સુરત પોલીસને આરોપી સોંપવાની કાર્યવાહી શહેર પોલીસે હાથ ધરી છે.