કલોલમાં યુવતીની હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
કલોલમાં યુવતીની હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા 1 - image


ખંજરના ઘા મારતા ગંભીર ઇજાગ્રસ્ત યુવતીનું મૃત્યુ થયું હતું.

કલોલ :  કલોલમાં બે વર્ષ અગાઉ રસ્તામાં આંતરીને યુવતીની હત્યા કરનાર આરોપીને કલોલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ ૧૫ એપ્રિલ ૨૦૨૨ના રોજ કલોલ નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલ જોગણી માતાના મંદિર વાળી ગલીમાં યુવતી પસાર થઈ રહી હતી ત્યારે એકલતાનો લાભ લઇ જાહેર રોડ ઉપર ખંજરના ઘા મારી હત્યા કરી હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

કલોલમાં રહેતી યુવતીના લગ્ન કલ્યાણપુરાના યુવક સાથે થયા હતા ત્યારબાદ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આમ છતાં યુવતી ઘર બહાર નીકળતી ત્યારે આરોપી રસ્તામાં તેને અવારનવાર રોકી હેરાન પરેશાન કરતો હતો. યુવકે ધમકી આપી હતી કે તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં અને એક દિવસ તને પતાવી દઈશ. આ ધમકી આપ્યાના થોડા દિવસ બાદ યુવતી નવજીવન મિલ કમ્પાઉન્ડમાંથી પોતાનું મોપેડ લઈને પસાર થઈ રહી હતી ત્યારે આરોપીએ તેને જાહેર રોડ પર આંતરી હતી. યુવતીને આરોપીએ ખંજરના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેને પગલે યુવતીનું મોત થયું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

પોલીસે કેસની ચાર્જશીટ દાખલ થતા એડિશનલ સેશન્સ જજ એ.એ નાણાવટીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ફરિયાદી તરફથી સરકારી વકીલ દ્વારા દલીલ કરાઇ હતી. કોર્ટે સાક્ષીઓની જુબાની તેમજ પુરાવાને ધ્યાને લઈ આરોપીએ ગંભીર ગુનો કર્યો હોવાનું માન્યું હતું. જેને પગલે સરકારી વકીલે સમાજમાં દાખલો બેઠે તે હેતુથી આરોપીને સખતમાં સખત સજા થાય તેવી દલીલ કરતા એડિશનલ સેશન્સ જજ એ.એ. નાણાવટીએ આરોપી ભાવેશ કેશવાણી રહે.મોહન શુક્લાની ચાલી, કલ્યાણપુરા, કલોલને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ પાંચ હજાર રૃપિયાનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો છે.


Google NewsGoogle News